સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
મારા પિતાએ મને વારસામાં તબલાની રિધમ આપેલી કારણ કે તેમના માટે તો તે જ પ્રાર્થના હતી.
– ઝાકિર હુસૈન
- Advertisement -
ઉસ્તાદ ઝાકિર હુસૈન હમણાં અવસાન પામ્યા. તેની પહેલા પુરુષોત્તમ ઉપાધ્યાય પણ જતા રહ્યા. આ દરેક વિભૂતીની સાથે ભારતીય સંગીત ધીરે ધીરે નાશ પામતું હોય એવું લાગ્યા કરે છે. બોલીવુડના ગીતોમાં દરેક બીજું ગીત રિમિકસ નીકળે છે. જે ઓરિજીનલ હોય તેવા ગીતોમાં પણ માધુર્યનો અભાવ ઉડીને આંખે વળગે છે. ગાયકો રાડારાડીને ગાયન સમજે છે, સંગીતકારો આડેધડ બોલાતા શબ્દોને રેપ્ કે હિપહોપ નામે શ્રોતાઓને પધરાવે છે, ગીતના બોલમાં કાવ્યતત્વ હવે રહ્યું નથી. આવા સમયમાં મને જૂનો સમય યાદ આવે કે જ્યારે શબ્દો, સંગીત અને ગાયકી એમ ગીતના ત્રણેય પાસાઓમાં મહેનતુ કલાકારો પોતાનો કસબ બતાવતા. ખાલી શાસ્ત્રીય સંગીતની વાત નથી. જો એમ હોય તો કુમાર સાનુ, કેકે, અલકા યાજ્ઞિક, કિશોરકુમાર, લતા મંગેશકર, રફી, સોનુ નિગમ, શાન, ઉદિત નારાયણ, શ્રેયા ઘોષાલ જેવા ગાયકોના ઘણા ગીતો શાસ્ત્રીય ધોરણો મુજબ ન હતા. સાવ સરળ તરજને પણ પોતાની ગાયકી વડે આ બધા દિગ્ગજો કાળજયી બનાવી દેતા. સંગીતકારો પણ કેવા એકએકથી ચડિયાતા હતા: શંકર જયકિશન મદન મોહન, નૌશાદ લક્ષ્મીકાંત પ્યારેલાલ, રવિ, એસ ડી બર્મન, આર ડી બર્મન, એ આર રહેમાન, જતિન લલિત, નદીમ શ્રવણ અને અમુક હદ સુધી રાજેશ રોશન અને અનુ મલિક પણ. ત્યારબાદ ઘણા વર્ષો સુધી નવા સંગીતકારો – વિશાલ શેખર, પ્રિતમ, સલીમ સુલેમાન, આ બધાએ અમુક હદ સુધી સંગીતના વારસાને જાળવી રાખ્યો. પણ પણ પણ…. હવે બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે આ સંગીતની મહાન પરંપરાનો ધી એન્ડ હવે આવશે. અત્યારના સંગીતકારોમાં પ્રયોગશીલતા શૂન્ય છે પણ માધુર્ય તો સાવ તળિયે પહોંચી ગયું છે.
હજુ ગાયકી અને સંગીતમાં ક્યારેક ક્યાંક ચમકારો દેખાય જાય છે પણ ગીતના શબ્દોમાં તો સાવ આશા જ રહી નથી. મારા માટે હાલના સમયમાં સૌથી વધારે રકાસ થયો છે લીરિકસમાં. જૂના સમયથી લઈને 90’ ના ગીતોમાં ઘણાખરા ગીતો સશક્ત શબ્દો ધરાવતા હતા. સાહિર લુધિયાનવી, નીરજ, કવિ પ્રદીપ, યોગેશ, કૈફી આઝમી, શૈલેન્દ્ર, ગુલઝાર, જાવેદ અખ્તર, પિયુષ મિશ્રા, નિલેશ મિશ્રા, પ્રસૂન જોશી, સ્વાનંદ કિરકિરે, અમિતાભ ભટ્ટાચાર્ય અને ઈર્શાદ કામિલ – આ બધા કલાકારોએ બોલીવુડના ગીતોમાં કાવ્યતત્વ સુપેરે જાળવ્યું પણ હવે તો આડેધડ ફેંકાતા શબ્દોને પણ સંગીતની વિધા તરીકે સ્થાન આપી દેવાયું છે ત્યારે શબ્દોનું મહત્વ તો શેષ રહ્યું જ નથી. સમીરના ગીતો પણ મહાન કવિતામાં ખપી જાય એ લેવલેના ગીતો અત્યારે રોમેન્ટિક ગીતોમાં સાંભળવા મળે છે.
બોલીવુડના ગીતો સિવાય પણ બીજી દુનિયા હતી. એક તરફ ઝાકિર હુસૈન, ભીમસેન જોશી, જસરાજ, અમજદ અલી ખાન, હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા, મન્ના ડે, વાણી જયરામ, હરિ હરન, જગજીત સિંહ જેવા વડીલો હતા કે જેના પ્રત્યારે અનન્ય આદર છે તો બીજી તરફ શાન, મોહિત ચૌહાણ, લુઇસ બેન્કસ, શોભા મુદગલ, ઉષા ઉત્થુપ, ઇલા અરુણ જેવા ગાયકો પોતીકા લાગતા હતા. પાકિસ્તાની કલાકારોની પોતાની અલગ આલમ હતી. સ્ટ્રીન્ગસ, જલ જેવા સૂફી રોક બેન્ડ હોય કે મહેંદી હસન તથા ગુલામ અલીની ગઝલો હોય, તેઓએ મસ્ત મેમરી આપી છે. અને તે બધામાં શિરમોર એવા નુસરત ફતેહ અલી ખાન કે જેના વગર ત્યારના આપણા ઘણા સંગીતકારો કામ વગરના હોત. આ બધાથી કંટાળી, થાકી જઈએ ત્યારે અનુરાધા પૌડવાલ, અહમદ હુસૈન, મહમદ હુસૈન, અનુપ જલોટા, હરિહરન, જગજીત સિંહ જેવા કલાકારો ભક્તિ સંગીત વડે આપણને રાહત આપતા. અત્યારે આ બધું યાદ કરીએ તો પેલો શેર યાદ આવે:
- Advertisement -
ખંડહર બતા રહા હૈ કિ ઈમારત કભી બુલંદ થી!
જે હોય તે હું મારી ઉપર કહેલી નિરાશા બાબતે ખોટો પડીશ તો મને બહુ જ ગમશે.
પૂર્ણાહુતિ:
આપણા સંગીતકારો પર વિદેશી ધુનોની ચોરીનો બહુ આરોપ લાગે છે પણ એમાંથી ઘણી ટ્યુન એવું હતી કે જેની નકલ કરીને આપણા સંગીતકારોએ તેને નવું જીવન બક્ષ્યું હોય. વિશ્વાસ ન આવ્યો હોય તો એલ્વિસ પ્રેસ્લીનું માર્ગારીટા અને રફી સાહેબનું કૌન હૈ જો સપનો મેં આયા – આ બંને ગીતોને સાંભળીને સરખાવી જુઓ.