જૂનાગઢના માંગરોળ બંદરે કલેકટરની અધ્યક્ષતામાં દરિયાઈ સુરક્ષા બેઠક યોજી
માંગરોળ બંદરે માછીમારી કરીને પરત આવતી બોટનું ચેકીંગ
હાલની સ્થિતિ સંદર્ભે બ્લેક આઉટ, એર રેડ સાયરન અંગે માર્ગદર્શન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા દરિયાઈ સુરક્ષા તેમજ હાલની પરિસ્થિતિ સંદર્ભે જરૂૂરી સમીક્ષા કરી હતી. કલેક્ટરે ખાસ આપત્તિની પરિસ્થિતિમાં બ્લેક આઉટ, એર રેડ સાયરન તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અંગે ઉપસ્થિતોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરૂૂરી તકેદારી રાખવા પણ સૂચના આપી હતી. તેમજ કોઈ શંકાસ્પદ ઘટના જણાય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અને ખાસ નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં ખારવા અને માછીમાર સમુદાયના અગ્રણીઓ ઉપરાંત દરિયાઈ સરહદના માંગરોળના 11 અને માળીયાહાટીનાના 9 ગામોના સરપંચશ્રીઓને હાલની પરિસ્થિતિ સંદર્ભે સચેત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રાંત અધિકારી, પોલીસ, આરોગ્ય, પીજીવીસીએલ, ફિસરઝ, પોર્ટ ઓફિસર, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, સંલગ્ન તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ જે રીતે પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે એવા સંજોગોમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ ખભે ખભા મિલાવી ના-પાક હરકત કરનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે ત્યારે આ પરિસ્થિતિને પોહચી વળવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સાથે જિલ્લા પોલીસ તથા એસઓજી, એલસીબી સહીત પોલીસ અધિકરીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારો સહીતમાં કડક ચેકીંગ હાથધરવામાં આવ્યું છે જયારે માંગરોળ બંદર દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ શરુ કરી દેવામાં આવ્યું અને મરીન કમાન્ડો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને નાગરિકોની સલામતી માટે તૈનાત થયા છે. માંગરોળ બંદરે ફિશિંગ બોટમાં માછીમારી કરતા લોકોનું ચેકીંગ કરવામાં આવી રહી રહ્યું છે તેની સાથે જે બોટ દરિયા માંથી પરત આવી રહી છે તેને પણ ચેક કરીને તપાસ શરૂ કરી છે આમ જૂનાગઢ જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરી કડક હાથે ચેકીંગ શરુ કરાયું છે. તેમ મરીન ટાસ્ક ફોર્સના ડીવાયએસપી એસ.આર.શર્મા દ્વારા મીડિયાને જણાવ્યું હતું.