સ્વચ્છતા, પોષણ અને નારી સશક્તિકરણનો ત્રિવેણી સંગમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હિ સેવા અભિયાન, પોષણ માહ તથા સ્વસ્થ નારી – સશક્ત પરિવાર જેવા ત્રિવિધ કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારએ નારી સશક્તિકરણને વિકસિત ભારત-2047ના સંકલ્પ માટે આવશ્યક ગણાવ્યું હતું અને પોરબંદરને સ્વસ્થ-સશક્ત જિલ્લો બનાવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ મેદસ્વિતા મુક્ત ગુજરાત, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ અને સ્વચ્છ ભારત મિશનને જનઆંદોલન સ્વરૂપે અપનાવવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ ત્રણેય કાર્યક્રમોને ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. આ પ્રસંગે કુપોષિત, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર કિટનું વિતરણ થયું, ઉપસ્થિત લોકોએ અંગદાન અને પોષણ અંગે શપથ લીધા તથા વડાપ્રધાનનો જીવંત પ્રસારણ નિહાળ્યો. કાર્યક્રમમાં જિલ્લા તથા મનપા અધિકારીઓ, અગ્રણી નાગરિકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.



