રક્ષાબંધન પર્વને લઈને બહેનો માટે રાખડીઓનો સ્ટોક ઉપલબ્ધ
સ્થાનિક મહિલાઓની હસ્તકળા અને કૌશલ્યને મળશે બજારનું સૌથી મોટું પ્લેટફોર્મ
- Advertisement -
રાજકોટ શહેરના શ્રોફ રોડ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય મહિલા અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત આ મેળામાં રક્ષાબંધન પર્વને અનુરૂપ વિવિધ પ્રકારની આકર્ષક અને કલાત્મક રાખડીઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળાના પ્રારંભ સાથે જ શ્રોફ રોડ પર રક્ષાબંધનના પર્વનો માહોલ જોવા મળી રહ્યો છે.
રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનું પર્વ નથી, પરંતુ ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ અને લોકહસ્તકળા સાથે પણ તેનું ગાઢ જોડાણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આયોજિત રાખી મેળામાં પરંપરાગત ડિઝાઇનથી લઈને આધુનિક કારીગરી ધરાવતી વિવિધ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. રંગબેરંગી દોરા, મોતી, શણગાર સામગ્રી અને વિવિધ કલાત્મક ડિઝાઇનથી તૈયાર કરાયેલી રાખડીઓ બહેનો માટે પસંદગીનું વિશાળ વૈવિધ્ય પૂરું પાડે છે.
આ મેળાની વિશેષતા એ છે કે સ્થાનિક મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકળાની ચીજવસ્તુઓ અને રાખડીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓ પોતાના કૌશલ્ય અને સર્જનાત્મકતાથી તૈયાર કરેલી રાખડીઓને અહીં પ્રદર્શિત કરી શકે છે અને સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે. જેના કારણે મહિલાઓને પોતાની આવડતને વ્યવસાયિક સ્વરૂપ આપવાની સાથે આર્થિક રીતે સશક્ત બનવાની તક પણ મળી રહી છે. મહિલાઓ દ્વારા હાથથી તૈયાર કરવામાં આવતી રાખડીઓમાં પરંપરાગત કારીગરીની સાથે આધુનિક ડિઝાઇનનો સમન્વય જોવા મળી રહ્યો છે. પરિણામે એક તરફ ગુજરાતની લોકપરંપરા અને હસ્તકળા જળવાઈ રહે છે તો બીજી તરફ બદલાતી પસંદગી મુજબની રાખડીઓ પણ ગ્રાહકોને ઉપલબ્ધ બની રહી છે.
- Advertisement -
રક્ષાબંધન નજીક આવી રહી હોવાથી બહેનો દ્વારા પોતાના ભાઈ માટે અનોખી અને યાદગાર રાખડી પસંદ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે એક જ સ્થળે વિવિધ પ્રકારની રાખડીઓનું વિશાળ સ્ટોક ઉપલબ્ધ થવાથી ખરીદી માટે આવતા લોકો માટે આ મેળો ઉપયોગી બની રહ્યો છે. શ્રોફ રોડ ખાતે યોજાયેલો આ સાત દિવસીય રાખી મેળો રક્ષાબંધન સુધી રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી અપેક્ષા છે. મેળા દ્વારા એક તરફ લોકોને વિવિધ પ્રકારની રાખડીઓ અને પરંપરાગત હસ્તકળાની ચીજવસ્તુઓની ખરીદી માટે પ્લેટફોર્મ મળી રહ્યું છે, તો બીજી તરફ સ્થાનિક મહિલા કારીગરો અને સ્વસહાય જૂથોને પોતાના ઉત્પાદનો માટે બજાર મળી રહ્યું છે. ગુજરાત રાજ્ય મહિલા અને આર્થિક વિકાસ નિગમના આ પ્રયાસથી મહિલાઓની પ્રતિભા, હસ્તકૌશલ્ય અને સ્વરોજગારને પ્રોત્સાહન મળવાની સાથે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારને સ્થાનિક કારીગરોની મહેનત અને ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડવાનો સુંદર પ્રયાસ થયો છે.




