તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ બહુમાળી ભવન ચોકમાં ઠેર ઠેર ખીલી વિખેરાયેલી જોવા મળી હતી
કોઈની રાહ નહીં, કોઈ ફરિયાદ નહીં માત્ર અન્ય વાહનચાલકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે માનવતા દાખવી
- Advertisement -
રાજકોટમાં દેશભક્તિના રંગે રંગાયેલી તિરંગા યાત્રા આન, બાન અને શાન સાથે પૂર્ણ થઈ. રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાયા અને સમગ્ર માર્ગ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો. શહેરમાં રાષ્ટ્રપ્રેમની લાગણીનો અદભૂત માહોલ સર્જાયો હતો. જોકે, આ ગૌરવભરી યાત્રા પૂર્ણ થયા બાદ સામે આવેલી એક તસવીર આપણને દેશભક્તિ સાથે માનવતાનું પણ મહત્વ સમજાવી જાય તેવી છે.
બહુમાળી ભવનથી શરૂ થયેલી તિરંગા યાત્રાના રૂટ પર યાત્રા પૂર્ણ થયા બાદ ઠેર-ઠેર ખીલી સહિતની કેટલીક વસ્તુઓ વેરવિખેર જોવા મળી હતી. ખાસ કરીને બહુમાળી ભવન ચોક આસપાસ રસ્તા પર પડેલી ખીલીઓ વાહનચાલકો માટે જોખમ ઊભું કરી શકે તેવી સ્થિતિમાં હતી. એટલે કે એક નાનકડી ખીલી પણ બાઇક કે કારના ટાયરમાં ઘૂસી જાય તો પચંર પડી શકે ત્યારે રસ્તા વચ્ચે વાહન ઊભું રહેવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આ નાની પરંતુ જોખમી બેદરકારી વચ્ચે માનવતા જોવા મળી. બે-ત્રણ સેવાભાવી લોકોની નજર જ્યારે રસ્તા પર વેરાયેલી ખીલીઓ પર પડી ત્યારે તેમણે કોઈની રાહ જોઈ નહીં, કોઈ ફરિયાદ કરી નહીં અને ન તો આ કામ માટે કોઈ સરકારી તંત્રની રાહ જોઈ. તેમણે જાતે જ રસ્તા પર પડેલી ખીલીઓ વીણવાનું શરૂ કર્યું.
- Advertisement -
એક પછી એક ખીલી હાથમાં લઈને આ સેવાભાવી લોકોએ રસ્તો સાફ કર્યો, જેથી પસાર થતા અન્ય વાહનચાલકોના ટાયરમાં ખીલી ન ઘૂસે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. કદાચ આ કામ દેખાવમાં નાનું લાગે, પરંતુ રસ્તા પર પસાર થતા કોઈ અજાણ્યા વાહનચાલકને મુશ્કેલીથી બચાવવાની ભાવના ચોક્કસપણે મોટી છે.
તિરંગો હાથમાં લઈને દેશપ્રેમ વ્યક્ત કરવો ગૌરવની વાત છે, પરંતુ તિરંગા યાત્રા બાદ કોઈ અજાણ્યા વ્યક્તિને નુકસાન ન થાય તે માટે રસ્તા પરથી એક ખીલી પણ વીણી લેવી એ પણ રાષ્ટ્રભાવનાનું જ એક સ્વરૂપ છે. કારણ કે દેશ માત્ર ધ્વજ, સૂત્રો અને ઉજવણીથી બનતો નથી, દેશની સાચી તાકાત તેના નાગરિકોની જવાબદારી અને એકબીજા પ્રત્યેની સંવેદનશીલતામાં રહેલી છે.
બહુમાળી ભવન ચોકની આ ઘટના એ સંદેશ આપે છે કે સમાજમાં આજે પણ એવા લોકો જીવંત છે, જેમને અજાણ્યા માણસની સલામતીની પણ એટલી જ ચિંતા છે જેટલી પોતાની. કોઈ વાહનચાલકને ખબર પણ નહીં હોય કે તેના માર્ગમાંથી જોખમ દૂર કરનાર આ લોકો કોણ હતા, છતાં તેમણે પોતાની જવાબદારી સમજીને કામ કર્યું.




