લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ન્યૂનતમ પેન્શન વધારવાનો આવો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના કર્મચારી પેન્શન સ્કીમના લાખો પેન્શનરો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી એવી અટકળો અને માંગ ચાલી રહી હતી કે ન્યૂનતમ માસિક પેન્શન રૂ. ૧,૦૦૦થી વધારીને રૂ. ૭,૫૦૦ કરવામાં આવશે. જોકે, સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ન્યૂનતમ પેન્શન વધારવાનો આવો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. ગુરુવારે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંસદમાં આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. દક્ષિણ દિલ્હીના સાંસદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ન્યૂનતમ પેન્શન વધારીને રૂ. ૭,૫૦૦ કરવાનો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. દેશના ૮૫ લાખથી વધુ પેન્શનરો આ નિર્ણયથી નિરાશ થઈ શકે છે, કારણ કે તેઓ લાંબા સમયથી સન્માનજનક પેન્શનની આશા રાખી રહ્યા હતા. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, ‘ઊડજ ફંડની સ્થિરતા અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને વર્તમાન વ્યવસ્થા જ ચાલુ રાખવામાં આવશે. આ સ્કીમ હેઠળ હાલ મળી રહેલું ન્યૂનતમ રૂ. ૧,૦૦૦નું માસિક પેન્શન યથાવત રહેશે, જે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ થી લાગુ છે. આ પેન્શન જાળવી રાખવા માટે સરકાર બજેટરી સપોર્ટ આપે છે અને કર્મચારીઓના પેન્શન ફંડમાં ૧.૧૬% અને એમ્પ્લોયર તરફથી ૮.૩૩%નું યોગદાન આપવામાં આવે છે. રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના જણાવ્યા અનુસાર, પેન્શનરો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. અનેક રજૂઆતો અને શાંતિપૂર્ણ પ્રદર્શનો કરવા છતાં પણ ન્યૂનતમ પેન્શન વધારવા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. સંગઠનનું માનવું છે કે નિવૃત્તિ પછી સન્માનજનક જીવન જીવવા માટે રૂ. ૭,૫૦૦ની માસિક રકમ પાયાની જરૂરિયાત છે, પરંતુ સરકારે ભવિષ્યની નાણાકીય સ્થિરતાને વધુ મહત્ત્વ આપ્યું છે.




