ઇરાને સીધી વાતચીતનો ઇનકાર કરી હોર્મઝ સ્ટ્રેટ ખોલવા શરતો મૂકી
અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના પાંચ મહિના પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું છે. ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે અને હોર્મુઝની
સાધનસામગ્રી અને ઓઇલ પુરવઠાની સ્ટ્રેટ ખોલવા માટે અમેરિકાને પોતાની શરતો માનવા મજબૂર કરી રહ્યું છે. ઈરાને વોશિંગ્ટન સમક્ષ પોતાની માંગણીઓની યાદી મૂકી દીધી છે. અમેરિકાની મજબૂરી એ વાત પરથી સ્પષ્ટ
દેખાય છે કે ટ્રમ્પ હવે પરમાણુ કરાર (ન્યૂક્લિયર ડીલ) વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર થઈ ગયા છે.
- Advertisement -
મીડિયા રિપોર્ટ મુજબ, જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ખોલી દે, તો અમેરિકા ન્યૂક્લિયર ડીલને બાજુ પર રાખીને યુદ્ધમાંથી બહાર નીકળવા તૈયાર છે. અગાઉ ટ્રમ્પનું મુખ્ય લક્ષ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ
કરવાનું હતું, પરંતુ હવે તેમનું ધ્યાન ગમે તે રીતે યુદ્ધનો અંત લાવવા પર છે. ઈરાન પાસે રહેલી 3000થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને તેની ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) સુરંગોમાં છુપાયેલા લોન્ચર્સને નાશ કરવામાં અમેરિકન સેના
નિષ્ફળ રહી છે.
આ ઉપરાંત, ગ્લોબલ ઓઇલ માર્કેટનું 20% ક્રૂડ ઓઇલ અને LNG જે માર્ગેથી પસાર થાય છે, તે હોર્મુઝ પર ઈરાને પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. હિઝબુલ્લાહ, હુથી બળવાખોરો અને ઈરાકના શિયા સશસ્ત્ર જૂથો ઈરાનના
સમર્થનમાં આવી જતાં અમેરિકાની મુશ્કેલીઓ વધી ગઈ છે. બીજી તરફ, ઓઇલ અને ઊર્જા સંકટના કારણે અમેરિકામાં ઘરઆંગણે ટ્રમ્પનો વિરોધ વધી રહ્યો છે અને આગામી મિડ-ટર્મ ઇલેક્શનના કારણે પણ ટ્રમ્પ પર ભારે
દબાણ છે.
જોકે, ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે અમેરિકન નાકાબંધીના કારણે ઈરાનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે, તેના સૈનિકોને પગાર આપવાના પૈસા નથી અને રિયાલનું મૂલ્ય પણ ગગડી ગયું છે.
- Advertisement -
જો બંને દેશો વચ્ચે કરાર થઈ જાય અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલશે, તો વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠાનું સંકટ દૂર થશે. હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ 83થી 85 ડોલર પ્રતિ બેરલ છે, જે ઘટીને 70થી 75 ડોલર સુધી આવી શકે છે. ભારત
માટે આ સમાચાર મોટા રાહતના સમાચાર સાબિત થશે, કારણ કે ઓઇલના ભાવ ઘટવાથી ભારતનું આયાત બિલ ઘટશે અને વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) પરનો બોજ ઓછો થશે. માર્ચ 2026 સુધી ભારતનો 16% કુલ
વેપાર અને 35થી 50% ક્રૂડ ઓઇલ આયાત હોર્મુઝના માર્ગે થતી હતી. પરંતુ આ સંકટમાંથી પાઠ લઈને ભારતે હવે હોર્મુઝ પરની પોતાની નિર્ભરતા ઘટાડી દીધી છે અને 70% ક્રૂડ ઓઇલ બિન-હોર્મુઝ (Non-Hormuz) માર્ગો
પરથી મંગાવવાનું શરૂ કર્યું છે. ભારતે 40થી વધુ દેશોમાંથી ઓઇલ આયાત કરીને પોતાની સપ્લાય ચેઇન મજબૂત કરી છે અને E20 પેટ્રોલ તથા ‘સમુદ્ર મંથન મિશન’ જેવી યોજનાઓ દ્વારા ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાના
પ્રયાસો ઝડપી કર્યા છે.
ઈરાને અમેરિકા સામે કઈ શરતો મૂકી?
યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર અમેરિકા આપે.
ઈરાન પર લાદવામાં આવેલા તમામ અમેરિકન પ્રતિબંધો હટાવવામાં આવે.
ઈરાન વિરુદ્ધ લશ્કરી ધમકીઓ અને હુમલા કાયમી ધોરણે બંધ થાય.
ખાડી વિસ્તારમાંથી અમેરિકન નૌકાદળની નાકાબંધી હટાવી લેવામાં આવે અને વિદેશોમાં ફ્રીઝ કરાયેલી ઈરાનની સંપત્તિ તાત્કાલિક મુક્ત થાય.




