સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાના 900થી વધુ બાળકનું ભવિષ્ય જોખમમાં
વાલીઓએ શિક્ષણ સમિતિનાં ચેરમેન અને મેયર ડૉ.નેહલ શુકલાને રજુઆત કરી
- Advertisement -
રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી ત્રણ મહત્વપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળાઓના સંચાલન મુદ્દે વિવાદ ઊભો થયો છે. કવિ શ્રી નર્મદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રવિન્દ્રનાથ ટાગોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ડો. હોમી જહાંગીર ભાભા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સફળતાપૂર્વક સંચાલન કરી રહેલા JHP એજ્યુકેશન ફાઉન્ડેશન (TGES, SNK GROUP) પાસેથી સંચાલન પરત લેવાની કે બદલવાની ચર્ચાઓ વહેતી થતાં વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયના વિરોધમાં 200થી વધુ વાલીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સમક્ષ દોડી ગયા હતા અને 900 કરતા વધારે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાવાની દહેશત વ્યક્ત કરી શાળાઓનું સંચાલન SNK ગ્રૂપની પાસે જ યથાવત રાખવા રજૂઆત કરી હતી. તેમજ મેયર ડો. નેહલ શુક્લને પણ આ બાબતે રજુઆત કરવામાં આવી છે.
વાલીઓએ ચેરમેનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે આ 3 શાળાઓમાં મળીને 900થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં SNK ગ્રૂપ દ્વારા ગુણવત્તાસભર અને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ, શિસ્તબદ્ધ વાતાવરણ તેમજ સુમેળપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. જો શૈક્ષણિક સત્ર દરમિયાન સંચાલનમાં ફેરફાર કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિઘ્ન ઊભું થશે અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડશે. હાલ સંચાલન અને શૈક્ષણિક કાર્ય ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે, જેથી તેમાં કોઈ ફેરફાર કર્યા વિના સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવામાં આવે તે જરૂરી છે.
આ અંગે રજૂઆત કરવા પહોંચેલા વાલીએ જણાવ્યું હતું કે, મારા બાળકો રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલમાં ભણે છે. અમારી એક જ માગ છે કે અત્યારે બાળકોને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે તે ચાલુ રહે. SNK ગ્રૂપ દ્વારા ખુબ સારું સંચાલન થાય છે અને ગરીબ-મધ્યમ વર્ગના બાળકો કે જેઓ પ્રાઇવેટ શાળાની ફી ભરી શકતા નથી તેમના ભણતરમાં ઘણો સુધારો આવ્યો છે. ત્યારે શાળાનો સ્ટાફ અને સંચાલન જેમ છે તેમજ રાખવામાં આવે તેવી મારી વિનંતી છે. આ બાબતે શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પૂજારા ઉપરાંત મેયર ડો. નેહલ શુક્લને પણ રજુઆત કરવામાં આવી છે.
- Advertisement -
મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ દ્વારા JHP ફાઉન્ડેશન (SNK ગ્રૂપ) સાથે MOU કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ હવે કરાર રદ્દ કરી સરકારી શિક્ષકો મુકાય તેવી શક્યતાને લઈ વાલીઓમાં ચિંતા છે. આ વર્ષે નર્સરીમાં પણ એડમિશન અપાયા નથી, જેથી આખી સિસ્ટમ ખોરવાઈ જવાનો ડર લાગી રહ્યો છે. અમારી એકમાત્ર રજૂઆત છે કે નર્સરીથી 8 ધોરણ સુધીનું શિક્ષણ પહેલાની જેમ આ જ મેનેજમેન્ટ દ્વારા ચાલુ રાખવામાં આવે. ત્રણેય શાળામાં અભ્યાસ કરતા 900 બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ તેમણે કરી છે.




