20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલાં બાલ્ડ રેન્જના જંગલોમાં લાગેલી ભીષણ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અચાનક ભડકેલી આ આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે સ્થાનિક લોકોને પોતાનાં ઘરોમાંથી જરૂરી સામાન લેવાનો પણ સમય મળ્યો નથી.
- Advertisement -
પરિસ્થિતિની અત્યંત ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કડક આદેશો આપવામાં આવ્યાં છે. માત્ર એક જ રાતમાં આગનો વિસ્તાર બમણો થઈ જતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. દક્ષિણ બ્રિટિશ કોલંબિયાના પ્રખ્યાત દારૂ ઉત્પાદક અને દ્રાક્ષનાં બગીચાઓ ધરાવતાં ઓકાનાગન લેક, સમરલેન્ડ અને પીચલેન્ડ સહિતનાં વિસ્તારોમાં આ આગની સૌથી વધુ અસર પડી છે.
આશરે ૯,૫૦૦ હેક્ટરથી વધુ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ આગમાં ૧૦૦ ફટ ઊંચા વૃક્ષો પરથી પણ ૨૦૦ ફૂટ સુધીની જવાળાઓ ઊઠી રહી છે, જેની સરખામણી ફાયર ઓફિસરે બોમ્બ વિસ્ફોટ સાથે કરી છે. ભારે ધુમાડા અને અતિશય ગરમી વચ્ચે ફસાયેલાં અનેક લોકોને બચાવ ટુકડીઓએ બહાર કાઢ્યાં છે, પરંતુ આ ગોઝારી આગમાં અસંખ્ય મકાનો અને કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે.




