પ્રવાસીઓનું સ્વાગત, બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી હેલ્થ ચેકઅપ, ગરબાની પ્રસ્તુતિ કરાશે
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આજે 15 જૂનના રોજ દેશભરમાં ‘યાત્રી સુવિધા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે આખો દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રવાસીઓનું તિલક કરીને સ્વાગત. વંદે માતરમનું સમૂહગાન, બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી હેલ્થ ચેકઅપ અને એરાઇવલ હોલમાં ગુજરાતી લોકનૃત્ય (ગરબા)ની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સાથે જ એવિએશન સેક્ટરમાં કાર્યરત મહિલાઓ અને હાઉસકીપિંગ સ્ટાફનું વિશેષ સન્માન પણ કરાશે. વર્ષ 2025માં પ્રથમ વખત એરપોર્ટે 10 લાખ (1 મિલિયન) મુસાફરની અવરજવરનો રેકોર્ડ બનાવ્યો છે.
છેલ્લા 12 વર્ષમાં રાજકોટે ઉડ્ડયન ક્ષેત્રે પ્રગતિ કરી છે. જૂના એરપોર્ટ પર પીક અવર્સમાં મુસાફરોની ક્ષમતા 300ની હતી, જે હવે વધીને 2800 (1400 અરાઇવલ, 1400 ડિપાર્ચર) થઈ ગઈ છે. આ ટર્મિનલ વાર્ષિક 3.5 મિલિયન (35 લાખ) મુસાફરને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ રાજકોટ માત્ર 2 શહેર સાથે જોડાયેલું હતું, જે હવે વધીને 7 શહેર સાથે કનેક્ટ થયું છે.
વિદેશી ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરલાઇન્સ કંપનીઓને 3 વર્ષ સુધી ખાસ પ્રોત્સાહન અપાશે. વર્ષ 2026-2027માં યુઝર ડેવલપમેન્ટ ફી સામાન્ય દરના માત્ર 10% જ વસૂલાશે, જ્યારે 2027-2028માં તે બિલકુલ શૂન્ય રહેશે. 2 મહિનામાં ઇમિગ્રેશન મંજૂરી મળવાની સંભાવના છે.
‘યાત્રી સુવિધા દિવસ’નો ઉત્સવ પરંતુ પ્રવાસીઓ બેઝિક સુવિધાઓ માટે પણ પરેશાન!
એક બાજુ ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી થાય છે, પરંતુ બીજી બાજુ પ્રવાસીઓ બેઝિક સુવિધા માટે પરેશાન થાય છે. ઇન્ટરનેશનલ કહેવાતા આ એરપોર્ટ પર વારંવાર મોબાઈલ નેટવર્ક ગાયબ થઈ જાય છે અને વાઈ-ફાઈ કનેક્ટિવિટીના પણ ઠેકાણા હોતા નથી. એરપોર્ટ પર વારંવાર પીવાના પાણીની અછત સર્જાય છે, જેના કારણે પ્રવાસીઓએ મોંઘા ભાવે કાફેમાંથી પાણી ખરીદવું પડે છે. શૌચાલયોની નિયમિત સફાઈ થતી ન હોવાથી ભારે ગંદકી જોવા મળે છે. એરપોર્ટ પરિસરમાં સુરક્ષાના મામલે વારંવાર વિવાદો સામે આવતા રહે છે, જે પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ ખડા કરે છે. અગાઉ એરપોર્ટની અંદર કૂતરાં ઘૂસી ગયા હોવાની ઘટના બની હતી. ત્યાં તાજેતરમાં જ રખડતા પશુઓ રનવે અને ટર્મિનલ આસપાસ આવી ચઢ્યા હતા.




