અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધીની યાત્રામાં 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા
કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- Advertisement -
સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે. શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી.
- Advertisement -
હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો અલગ-અલગ જિલ્લોમાંથી અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે પહોંચી રહ્યા છે. મોરબીથી એક ખેડૂત હળ સાથે આવ્યાં છે અને તેમની ગાડી પર ‘ખેડૂત મજબૂત તો દેશ મજબૂત’ સહિતના અલગ-અલગ પેઇન્ટિંગો દોરેલા છે, જે લોકોમાં આકર્ષણ બન્યું છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર અને કરસન ભાદરકા પણ શાંતિપુરા ચોકડી પહોંચ્યા છે. અહીં કરસન ભાદરકાએ કહ્યું છે કે રેલી નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે એટલે ગાંધીનગર જવાની મંજૂરી ના આપી.
ઈટાલિયા સહિતના આપના નેતાઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં
કોંગ્રેસના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે.
સરકારને અલ્ટીમેટમ આપશે
તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પહોંચશે. જ્યાંથી તમામ લોકો એકઠા થઈને ખેડૂતોની પાંચ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર કૂચ કરશે. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને જશે અને સરકારને અલ્ટીમેટમ આપશે. જો સરકાર દ્વારા માગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




