૪૦ જિલ્લા પંચાયત સીટો પર સેવાસેતુ દ્વારા પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર નિવારણ: મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી વિગતવાર માહિતી
‘સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ’ થીમ સાથે ૨૧મીએ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી: પ્રાકૃતિક ખેતી અને સ્વચ્છતા અભિયાન દ્વારા જનજાગૃતિનો નિર્ધાર
- Advertisement -
ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” વિવિધ કાર્યક્રમો અંગે માહિતગાર કરવા ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર જિલ્લામાં યોજાનારા લોકઉપયોગી કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા મીડિયાકર્મીઓ સમક્ષ રજૂ કરી હતી.
૪ દિવસીય જનકલ્યાણ શિબિર અને પ્રગતિપથ યાત્રા
ભાવનગર જિલ્લામાં નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે જિલ્લા પંચાયતની કુલ ૪૦ સીટો પર સેવાસેતુ પ્રકારની ‘જનકલ્યાણ શિબિર’નું ૪ દિવસ (તા. ૧૨, ૧૫, ૧૭ અને ૧૯ જૂન) આયોજન કરાયું છે. જેમાં પ્રથમ તબક્કા હેઠળ ૧૧ સીટો પર શિબિરો યોજાઈ ચૂકી છે. આ ઉપરાંત, જિલ્લાના ૧૨ ઉત્કૃષ્ટ વિકાસ સ્થળોને સાંકળતી ‘પ્રગતિપથ યાત્રા’નું આજરોજ તા. ૧૩/૦૬/૨૦૨૬ના રોજ પ્રસ્થાન કરાવાયું હતું, જેમાં ૪૦ જેટલા મહાનુભાવોએ ખાસ બસ મારફતે નિયત રૂટના સ્થળોની મુલાકાત લીધી હતી. આ જ દિવસે ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે અંદાજે ૭૦૦ પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું હતું.
- Advertisement -
પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસની તૈયારી
કૃષિ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે તા. ૦૯/૦૬/૨૦૨૬ના રોજ સિહોરના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે જિલ્લા સ્તરીય પ્રાકૃતિક ખેતી કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ૬૨૫ યુવા ખેડૂતો અને મહિલાઓએ ભાગ લીધો હતો. આત્મા પ્રોજેક્ટ અને અન્ય સંયુક્ત વિભાગો દ્વારા અહીં ૨૦ જેટલા સ્ટોલનું કૃષિ પ્રદર્શન યોજાયું હતું. આગામી તા. ૧૬ થી ૨૦ જૂન દરમિયાન દરેક તાલુકામાં આવા કાર્યક્રમો યોજાશે.
આગામી તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે “સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ” થીમ આધારિત મહાનગરપાલિકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સીદસર રોડ પરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિહોરના છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઉજવણીમાં દિવ્યાંગો, મેડિકલ એસોસિએશનના સભ્યો અને રમત-ગમત મંડળો જોડાશે, જેમાં મુખ્યમંત્રીના સંબોધનનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે.
સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ તાલુકાઓમાં સ્વચ્છતા જાગૃતિ રેલી, પ્લાસ્ટિક એકત્રીકરણ અને જળાશયોની સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ ‘એક પેડ મા કે નામ’ અને વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત કેન્દ્રીય મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં શામપરા (સીદસર) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રગતિપથ યાત્રાના તમામ રૂટ પર પણ વૃક્ષારોપણ કરીને તેના જતનની અપીલ કરાઈ છે.
આ પત્રકાર પરિષદ અને કાર્યક્રમો દરમિયાન ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



