પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2002ના ઉચાપત કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો મહત્વપૂર્ણ ચુકાદો
આ કેસમાં આરોપીવતી રોકાયેલા વકીલ પી.સી. વ્યાસ, દિપ પી. વ્યાસ અને ઓમદેવસિંહ જાડેજાની ધારદાર દલીલોને અદાલતે ગ્રાહ્ય રાખી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની વ્યવસાય વેરા કચેરીમાં સરકારી નાણાંની ઉચાપત કરવાના વર્ષો જૂના ચકચારી ગુનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એમ. શાહની કોર્ટે આરોપી રમેશભાઈ નાનજીભાઈ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષના યુવા એડવોકેટ દિપ વ્યાસની ધારદાર દલીલો અને ઉચ્ચ ન્યાયાલયના વિવિધ ચુકાદાઓને ગ્રાહ્ય રાખીને અદાલતે આ નિર્ણય સંભળાવ્યો છે. આ કેસની વિગત એવી છે કે, ફરિયાદ પક્ષના આરોપ મુજબ આરોપીઓ રમેશભાઈ રાઠોડ, ચેતન જોશી અને સબ્બીર અલીખોજાએ એકસંપ કરી નિવૃત કર્મચારી સી.જી. પંડિતની ન મળવાપાત્ર રોકડ રકમનું રજા બીલ નં. 21 (તારીખ 21/5/2001 થી બનાવી અને 8/6/2001 થી પાસ કરાવી) મેળવી લીધું હતું. આ સરકારી નાણાંની ઉચાપત કરી, તેને પોતાના અંગત ઉપયોગમાં વાપરી તેમજ સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરવાનો ગુનો આચરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટના અંગે ફરિયાદી વિનોદભાઈ પટેલ દ્વારા રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તા. 02/01/2002 ના રોજ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ તપાસ કરનાર અધિકારી દ્વારા આ કેસમાં અલગ-અલગ પંચનામાઓ કરી, સાક્ષીઓના નિવેદનો નોંધી, મુદ્દામાલ કબજે લઈ તેમજ સહીના નમૂનાઓ મેળવીને તપાસના અંતે આરોપીઓ સામે નામદાર અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ત્યારબાદ અદાલત દ્વારા આરોપીઓ સામે ચાર્જ/પ્લીની પ્રક્રિયા પૂર્ણ કરી પુરાવાઓ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અદાલતી કાર્યવાહી દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી સાહેદ ભુપતભાઈ ભાલોડી, પંચ સાહેદ અફઝલ ખાન, તપાસ કરનાર અધિકારી જેસીંગભાઈ ધ્રાંગા, કુસુમબેન ગાંધી, પ્રવીણચંદ્ર મકવાણા, ઈન્દ્રજીતસિંહ બળવંતસિંહ, પોલીસ સાહેદ ક્રિપાલસિંહ અને તપાસ કરનાર અધિકારી અનિરૂધ્ધસિંહ પરમાર સહિતના સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત સહીના નમૂનાનું પંચનામું, ફરિયાદ, ફરિયાદ નોંધવાનો હુકમ, વ્યવસાય વેરા અધિકારીનો પત્ર, એસ.બી.આઈ. નું કાઉન્ટર, ટ્રેઝરી ચેક, બીલ નં. 21 નું ફોર્મ, પગાર પત્રકો, ટેક્સ કપાતનું પત્ર, વેરા કમિશનર તેમજ સી.જી. પંડિતના આદેશની નકલ, આરોપીના હસ્તાક્ષર મુદ્દામાલવાળો રિપોર્ટ, કેસ બુક, ચેક રજીસ્ટર, નાણાં ભરવાની પાવતી, રજા રિપોર્ટ ફાઈલ, પી.એસ.આઈ. ધડવેનો પત્ર અને ઓપિનિયન વગેરે જેવા અનેક દસ્તાવેજી પુરાવાઓ રેકોર્ડ પર રજૂ કરવામાં આવ્યા હતા.
તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીઓ પૂર્ણ થયા બાદ આખરી સુનાવણીમાં રાજકોટના એડવોકેટ ડી.પી. વ્યાસ દ્વારા ધારદાર કાનૂની દલીલો કરવામાં આવી હતી. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા લેખિત તેમજ મૌખિક દસ્તાવેજી પુરાવાઓ આરોપી વિરુદ્ધનો કેસ સાબિત કરવા માટે પૂરતા નથી અને ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે. અદાલતે બચાવ પક્ષની આ ધારદાર દલીલો અને સર્વોચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને રાખી આરોપી રમેશભાઈ નાનજીભાઈ રાઠોડને આ ગુનામાંથી મુક્ત કરતો આદેશ આપ્યો હતો.
આ કેસમાં આરોપી રમેશભાઈ રાઠોડ વતી રાજકોટના સિનિયર એડવોકેટ પી.સી. વ્યાસ, દિપ પી. વ્યાસ, ઓમદેવસિંહ જાડેજા તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે પ્રિયાબેન કોદાવલા, મુસ્કાનબેન સમા અને ધવલ ધોરિયા રોકાયા હતા.



