રેસકોર્સમાં 50 હજાર ભક્તો બેસી શકે તેવું ભવ્ય ગ્રાઉન્ડ તૈયાર: 5 જૂને કથાનો પ્રારંભ, 6 જૂને ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર
130 ફૂટ પહોળું સ્ટેજ, 6 વિશાળ કઊઉ સ્ક્રીન અને 1 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમંત કથાનો મંડપ સજ્જ
- Advertisement -
સમગ્ર મેદાનને ગંગા, યમુના, સરસ્વતી અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓના નામ પરથી 24 અલગ-અલગ ખંડમાં વિભાજિત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે રાજકોટના આંગણે એક ભવ્ય ધાર્મિક મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આગામી તારીખ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે ત્રિદિવસીય ’સનાતન સેતુ હનુમંત કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં બાબા બાગેશ્વર ધામના પ્રખર સનાતની વક્તા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી (બાગેશ્વર ધામ સરકાર) પોતાની વાણીનો રસ પીવડાવશે. આ મહોત્સવના મંગલ પ્રારંભ પૂર્વે આવતીકાલે શહેરમાં ભવ્ય કળશ યાત્રા યોજાશે, જ્યારે કથાના બીજા દિવસે એટલે કે 6 જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર પણ ભરાશે.
આ મહોત્સવની તમામ વ્યવસ્થાઓ અને તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ અંગે સમિતિના મુખ્ય આયોજક અને પ્રમુખ જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્સ), આશિષભાઈ શુક્લ, રાજેશભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા અને વિજયભાઈ પારખીયા દ્વારા મેદાન ખાતે ઉપસ્થિત રહીને તમામ વ્યવસ્થાઓની આખરી સમીક્ષા કરવામાં આવી હતી.
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભક્તો માટે વિશેષ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં સમગ્ર મેદાનને ગંગા, ‘મુના, સરસ્વતી અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓના નામ પરથી 24 અલગ-અલગ ખંડમાં વિભાજિત કરાયું છે. ભારતીય બેઠક પદ્ધતિ અનુસાર તૈયાર કરાયેલા એક-એક ખંડમાં આશરે 1800 લોકો અને આખા ગ્રાઉન્ડમાં એકસાથે 50 હજારથી વધુ ધર્મપ્રેમી જનતા બેસી શકે તેવી અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ભક્તો માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે.
મહોત્સવ માટે મેદાન પર 130 ફૂટ પહોળું અને 45 ફૂટનું ભવ્ય આકર્ષક સ્ટેજ, 6 વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન, 1 લાખ વોટની ક્ષમતા ધરાવતી આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર આયોજનને સંપૂર્ણ વીમા કવચથી સજ્જ કરાયું છે. કથામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પ્રવેશ વ્યવસ્થા ગેટ વાઈઝ નક્કી કરવામાં આવી છે, જેમાં સામાન્ય જનતા માટે ફન વર્લ્ડ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ગેટ નંબર 1 અને 2 તેમજ એરપોર્ટ ગેટ નંબર 5 અને બાલભવન ગેટ નંબર 6 ખુલ્લા રહેશે. જ્યારે સાધુ-સંતો અને આમંત્રિત મહેમાનો માટે ગેટ નંબર 3 તથા પ્રોટોકોલ માટે ગેટ નંબર 4 નિયત કરાયો છે. આ ઉપરાંત ભક્તોના વાહનોના પાર્કિંગ માટે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ વતી ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય હનુમંત કથામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



