યોગ્ય સફાઈના અભાવે સાઈફનમાં કચરો ભરાતા પાણીનો પ્રવાહ રોકાયો: રવાપર ગામ પાસે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન એક તરફ ખરીફ પાકના આગોતરા વાવેતર માટે છેવાડાના 17 ગામના ખેડૂતો પાણીથી વંચિત, બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
- Advertisement -
મોરબીમાંથી પસાર થતી મુખ્ય મચ્છુ કેનાલમાં હાલમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હોવા છતાં, તંત્રની લાપરવાહીના કારણે તે ઠેર-ઠેર ઓવરફ્લો થઈ રહી છે. મોરબીના રવાપર ગામ પાસે આવેલી કેપિટલ માર્કેટ નજીક કેનાલ ઓવરફ્લો થતાં મુખ્ય રસ્તા પર અડધાથી એક ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. આ પૂર જેવી સ્થિતિના કારણે રસ્તા પરથી પસાર થતા સેંકડો વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે એકતરફ લાખો લીટર કિંમતી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને બીજીતરફ જેમના માટે પાણી છોડાયું છે તે ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું નથી.
સામાન્ય રીતે દર વર્ષે મોરબી અને માળિયા તાલુકાના અંદાજિત 17 જેટલા ગામોના ખેડૂતોને મચ્છુ-2 ડેમમાંથી મચ્છુ કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા સિંચાઈનું પાણી તો છોડવામાં આવ્યું છે, પરંતુ કેનાલની અગાઉથી યોગ્ય સફાઈ ન થવાને કારણે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાયો છે. રાત્રિ દરમિયાન રવાપર પાસે કેનાલ એકાએક ઉભરાઈ જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે નહેરની સમયસર સફાઈ કરવામાં આવી નથી અને કેનાલના સાઈફનમાં મોટા પાયે કચરો ભરાયેલો હોવાથી પાણી આગળ વધવાને બદલે બહાર ફેંકાઈ રહ્યું છે.



