એકના એક પુત્રના મોતથી માતા-પિતા આઘાતમાં ગરકાવ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ડોકટરેટ ઓફ ફીલોસોફી કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ આજીડેમ-2માં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એકના એક પૂત્રના મોતથી વિપ્ર પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. જો કે આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર માધાપર ગામ પાસે ઈશ્ર્વરીયા મહાદેવ મંદિરથી આગળ આવેલા આજીડેમ-2માં આજે બપોરે એક યુવાનની લાશ તરતી હોય જે અંગે ત્યાંના ચોકીદારે જાણ કરતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકને બહાર કાઢી પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એચ.વી.સોમૈયા દોડી ગયા હતા. પરંતુ, આ હદ કુવાડવા પોલીસ મથકની હોવાથી ત્યાં જાણ કરતાં હેડ કોન્સ. અજયભાઈએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમેસ્ટ્રી વિભાગનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તેનું નામ આદિત્ય પ્રકાશભાઇ રાવલ (ઉ.વ.23, રહે.રાજકૃતિ એપાર્ટમેન્ટ, એરપોર્ટ ફાટક પાસે) તથા પીએચડી લખ્યું હતું. પોલીસે જાણ કરતાં યુવાનના માતા-પિતા દોડી આવ્યા હતા.
- Advertisement -
પ્રાથમિક તપાસમાં મૃતક આદિત્ય તેના માતા-પિતાનો એકનો એક પૂત્ર હતો અને પીએચડી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આદિત્ય સવારે 11 વાગ્યાના અરસામાં ઘરેથી બાઈક અને બેગ લઈ નિકળ્યા બાદ આ પગલુ ભરી લીધું હતું. પરિવારજનો પણ એકના એક પૂત્રના મોતથી સ્તબ્ધ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.



