ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટને આગળ ધપાવવા અંગેની મિટિંગ મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં રાજકોટના પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે મેયર ડૉ. પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે દેશ વિદેશમાં રાજકોટની પ્રતિષ્ઠા વધે તેવા અનેક પ્રોજેક્ટની ભેટ આપી ચુકેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરની ખુબસુરતીમાં વધારો કરે અને નાગરિકોને હરવા ફરવા માટે વધુ શાનદાર સ્થળ પ્રાપ્ત થાય તેવા હેતુથી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ભેટ આપેલી છે. જે અંતર્ગત આજી નદીનો 11 કિ.મી.નો બેલ્ટ રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે. આજી નદીમાં ઠલવાતા સુએઝ વોટરને ઇન્ટરસેપ્ટર લાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટેની કામગીરી હાલ ચાલુ છે. આ પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરી તેમજ અન્ય વિભાગોના ક્લીયરન્સ મેળવવાની પ્રક્રિયા ત્વરિત આગળ ધપાવવા માટેના પ્રયાસ તેજ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 ચેકડેમ અને 3 બેરેજ બનાવવામાં આવશે તેમજ આજી – 1 ડેમનો ઓવરફ્લો ન હોય ત્યારે પાણી ફરતું રહે તેવા યાંત્રિક સાધનો મુકવામાં આવશે સાથોસાથ પાર્ક્સ એન્ડ ગાર્ડન, ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે.
રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કૂલ ખર્ચ આશરે રૂ.1181 કરોડ થનાર છે.
ઉપરોક્ત મુખ્ય કામો માટેની અંદાજીત ખર્ચ (15% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ. 480 કરોડ જેટલું થશે. તથા આજી નદીમાં રીવરફ્રંટ માટે તૈયાર થયેલ માસ્ટર પ્લાનમાં નીચે મુજબનાં વધારાના વ્યાપક અમલીકરણના પ્રોજેક્ટો બનાવવાનું પણ આયોજન છે, જુના રેલ્વે બ્રીજ માટે રીનોવેશન તથા ઉપરોક્ત વધારાના માળખાકીય બાંધકામોનું અંદાજીત ખર્ચ રૂા. 701 કરોડ જેટલું થશે. આમ, સમગ્ર પ્રોજેક્ટનું કૂલ ખર્ચ આશરે 1181 કરોડ જેટલું થવા અંદાજ છે.
પ્રથમ તબક્કામાં આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનીંગ વોલનું કામ, આજી નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ, આનુસંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ તથા હાલ આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં રામનાથપરા મંદિરના સામેના ભાગે આવેલ મનહરપરા વિસ્તારમાં નદીમાં થયેલા દબાણો દુર કરી નદીની પહોળાઇ પ્રમાણે દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેનું ખર્ચ રૂ.16.28 લાખ થયેલ છે તથા કોલમવાળી દીવાલમાં કોલમ વચ્ચેના ખાલી ભાગમાં મેશનરીનું કામ હાલ ચાલુ છે જેનું અંદાજીત ખર્ચ રૂ. 17.95 લાખ થશે. જે કામ પૂર્ણ થયેલ છે તથા ચુનારાવાડ પાસે દુધસાગર રોડ પરનો હયાત બ્રીજની બાજુમાં નવા હાઇ-લેવલ બ્રીજનું કામ પૂર્ણ થયેલ છે તેમજ નદીની પૂર્વ તથા પશ્ર્ચિમ બંને કિનારાની ઈન્ટરસેપ્ટર સીવર લાઈનનું કામ ચાલુ છે. આમ ટૂંક સમયમાં જ આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ઝડપથી આગળ ધપાવવામાં આવશે.


