કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા નિમિત્તે આગામી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ વિવિધ કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે. જે અંતર્ગત તા.૩૦ ઓક્ટોબરના રોજ ડીસા- ભીલડી ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ” દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોના ખાતામાં ૨૪મો હપ્તો જમા કરવામાં આવશે. જ્યારે ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે ભવ્ય પરેડ સહિતના કાર્યક્રમ યોજાશે. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોના આયોજનની સમીક્ષા અર્થે જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા સહિતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ તકે જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર આયોજનની સમીક્ષા કરીને સંબંધિત વિભાગ અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવેલા સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી. વધુમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ યોજાનારા વિવિધ કાર્યક્રમોની સમગ્ર રૂપરેખા પુરી પાડી હતી. તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ લાભાર્થી ખેડૂતોનું સન્માન, સામાજિક અગ્રણીઓના સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.




