16 વર્ષ જૂનો અતૂટ નાતો હવે નવા અધ્યાયમાં પ્રવેશ્યો
22 વર્ષની વયે ખેલાડી તરીકે જોડાયા બાદ બેટિંગ કોચ અને હવે મુખ્ય કોચ તરીકે મોટી જવાબદારી સંભાળશે
- Advertisement -
નીતા અંબાણીએ આપી શુભકામના; પોલાર્ડે અંબાણી પરિવાર અને ‘પલટન’નો વિશ્વાસ બદલ આભાર માન્યો
વિશ્વની સૌથી લોકપ્રિય અને સફળ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી પૈકીની એક મુંબઈ ઇન્ડિયન્સે પોતાના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને ટીમના નવા હેડ કોચ (મુખ્ય કોચ) તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ક્રિકેટના
ઈતિહાસમાં કોઈ એક ફ્રેન્ચાઈઝી સાથે ખેલાડીથી લઈને મુખ્ય કોચ સુધી પહોંચવાની આ સૌથી લાંબી, અતૂટ અને ઐતિહાસિક ૧૬ વર્ષની ભાગીદારી હવે એક રોમાંચક નવા અધ્યાયમાં પ્રવેશી છે. પોલાર્ડની આ નિમણૂક મુંબઈ
ઇન્ડિયન્સની વિજયી પરંપરા અને યુવા પ્રતિભાઓને તક આપવાની નીતીને વધુ મજબૂત બનાવશે. આ મહત્વપૂર્ણ જાહેરાત પ્રસંગે મુંબઈ ઇન્ડિયન્સના કો-ઓનર નીતા અંબાણીએ કિરોન પોલાર્ડને અભિનંદન પાઠવતાં જણાવ્યું
હતું કે, “પોલાર્ડ જ્યારે માત્ર ૨૨ વર્ષનો યુવાન હતો ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો હતો. છેલ્લા ૧૬ વર્ષો દરમિયાન તે અમારા ‘વન ફેમિલી’ પરિવારનું એક અતૂટ અને અભિન્ન અંગ બની ચૂક્યો છે. એક મેચ-વિનર ખેલાડી
તરીકે તેણે આપણને અસંખ્ય અવિસ્મરણીય પળો અને ટ્રોફીઓ આપી છે. નિવૃત્તિ બાદ એક કોચ તરીકે પણ તેણે રમત પ્રત્યેનું પોતાનું ઊંડું વ્યૂહાત્મક જ્ઞાન, બહોળો અનુભવ અને અદમ્ય જુસ્સો ખેલાડીઓ સાથે વહેંચ્યો છે. ‘પોલી’
બરાબર જાણે છે કે મુંબઈ ઇન્ડિયન્સની બ્લુ અને ગોલ્ડ જર્સી પહેરવાનો અને ‘પલટન’ના કરોડો ચાહકો માટે મેદાનમાં ઉતરવાનો વાસ્તવિક અર્થ શું થાય છે. મને દ્રઢ વિશ્વાસ છે કે તે પોતાની આ નવી અને મોટી ભૂમિકામાં પણ
એ જ પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે ટીમને સફળતાના શિખરે લઈ જશે.”
નવી અને મહત્વની જવાબદારી સ્વીકારતાં મુખ્ય કોચ કિરોન પોલાર્ડે જણાવ્યું હતું કે, “મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળવી એ મારા માટે ગર્વ અને સન્માનની બાબત છે. એમઆઈ મારી જિંદગી અને
સમગ્ર ક્રિકેટિંગ કારકિર્દીનો સૌથી મોટો હિસ્સો રહ્યું છે. આ ટીમ, સાથી ખેલાડીઓ અને ચાહકો સાથેનો મારો નાતો અત્યંત વિશેષ છે. મેદાન પર એક ખેલાડી તરીકે અને ત્યારબાદ બેટિંગ કોચ તરીકે કામ કર્યા પછી હું મુંબઈ
ઇન્ડિયન્સના મૂલ્યો અને સંસ્કૃતિને સારી રીતે ઓળખું છું. મારા પર અતૂટ ભરોસો મૂકવા બદલ હું નીતા અંબાણી, આકાશ અંબાણી અને સમગ્ર મેનેજમેન્ટનો આભાર માનું છું. હું ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને ટીમના
ભવ્ય વારસાને આગળ વધારવા અને ચાહકોને ફરી ઉજવણીના અસંખ્ય અવસરો આપવા આતુર છું.” કિરોન પોલાર્ડ આધુનિક ટી૨૦ ક્રિકેટના વિકાસ અને પરિવર્તનનો સાક્ષી રહ્યો છે. મેદાન પર દબાણની સ્થિતિમાં રણનીતિ
ઘડવાનો તેનો વિશાળ અનુભવ ટીમ માટે અમૂલ્ય સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકી હેઠળની ઇન્ડિયાવિન સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી વિશ્વભરની લીગમાં કુલ
૧૩ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતી ચૂકી છે. જેમાં ૫ આઈપીએલ ટ્રોફી, ૨ ચેમ્પિયન્સ લીગ, ૨ મહિલા પ્રીમિયર લીગ (WPL), એમઆઈ ન્યૂયોર્ક સાથે ૨ મેજર લીગ ક્રિકેટ અને સાઉથ આફ્રિકા તથા અમીરાત લીગમાં ૧-૧ ટાઇટલ
સામેલ છે. પોલાર્ડના નેતૃત્વ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ પોતાની શ્રેષ્ઠતા અને વિજયી રથને આગળ ધપાવશે.




