માત્ર નાની આઇટમોથી જ વેપારીઓની બોણીઃ દિવાળીના અંતિમ દિવસોમાં ખરીદી વધવાની આશા
લેબર ચાર્જ અને ઈંધણના ભાવ વધારાની સીધી અસર ફટાકડા બજાર પર પડી
- Advertisement -
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે ફટાકડા બજારમાં મોંઘવારીનો મોટો ધડાકો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવમાં ૨૫થી ૩૦ ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું દિવાળી બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સદર બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, ગત વર્ષે જે ફટાકડાનું પેકેટ ૧૦૦ રૂપિયામાં મળતું હતું, તે આ વખતે સીધું ૧૨૦થી ૧૨૫ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ખાસ કરીને બાળકોમાં લોકપ્રિય એવી ફૂલઝડી, ચક્કરી, કોઠી અને અવાજના શોખીનો માટેના બોમ્બમાં સૌથી વધુ ભાવવધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ શિવાકાશી સહિતની ફેક્ટરીઓમાં આ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવાનું સામે આવ્યું છે, સાથે જ લેબર ચાર્જ, કાચો માલ અને પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં તેની સીધી અસર ફટાકડાના ભાવ પર પડી છે.
ભાવ વધારા અને હાલ શાળાઓમાં ચાલતી પરીક્ષાઓના કારણે અત્યારે ફટાકડા બજારમાં દર વર્ષ કરતાં ઘણી ઓછી ઘરાકી જોવા મળી રહી છે અને બજારમાં સ્પષ્ટપણે મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે. મોટા અને ફેન્સી આતશબાજીના બોક્સ સામે ગ્રાહકો હાલ ખચકાટ અનુભવી રહ્યા હોવાથી બજારમાં માત્ર પોપ-અપ (ટીકડી), રોલ કેપ અને નાના બાળકો માટેની ‘શંભુ ફટાકડાની થેલી’ જેવી નાની આઇટમોનું જ વેચાણ થઈ રહ્યું છે. જોકે, વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે પરીક્ષાઓ પૂર્ણ થતાં જ અને તહેવારના અંતિમ દિવસોમાં લોકો ખરીદી માટે નીકળશે અને બજારમાં તેજી આવશે.
- Advertisement -
હાલ માત્ર ‘પોપ-અપ‘ અને શંભુ થેલી જેવી નાની આઇટમોની જ માગઃ કેતન કાછેલા (ફટાકડાના વેપારી)
સદર બજારમાં શ્રીજી ફટાકડાના વેપારી કેતન કાછેલાએ જણાવ્યું હતું કે, મોટા અને ફેન્સી ફટાકડાના બોક્સ સામે લોકો હાલ ખચકાટ અનુભવી રહ્યા છે. પરિણામે અત્યારે બજારમાં માત્ર નાની અને સસ્તી આઇટમો જેવી કે પોપ-અપ (ટીકડી), રોલ કેપ અને નાના બાળકો માટેની ‘શંભુ ફટાકડાની થેલી’ જ વધુ વેચાઈ રહી છે. મોટા બોક્સ કે આકાશી આતશબાજીની ખરીદી હજુ શરૂ થઈ નથી.




