મધ્યપ્રદેશ–રાજસ્થાન સહિત 15 રાજ્યમાં વરસાદ, ઠંડી વધશેઃ છત્તીસગઢના 12 જિલ્લામાં આજે સ્કૂલો બંધ
બંગાળની ખાડીમાંથી ઉદ્ધવેલા ચક્રવાતી વાવાઝોડા ‘અર્નબ’ને કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં અત્યાર સુધીમાં ૫ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ચક્રવાતની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ૧૫ રાજ્યોમાં ગઈ રાતથી વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. તે આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે. મધ્ય પ્રદેશના સતના, કટની અને છતરપુર સહિતના ઘણા જિલ્લાઓમાં બુધવારે વરસાદ પડ્યો હતો. રાજસ્થાનના ભરતપુર અને કોટા વિભાગના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. હવામાનમાં આવેલા ફેરફારને કારણે જયપુર, પિલાની, સીકર, બાડમેર અને ચુરુ સહિત લગભગ તમામ શહેરોના તાપમાનમાં ૨ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. સીકરમાં રાત્રિનું તાપમાન ૧૦.૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ દરમિયાન, ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને છત્તીસગઢના ૧૨ જિલ્લાઓમાં ગુરુવારે સ્કૂલો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ઓડિશામાં પણ ૧૬ જિલ્લાઓમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આશરે ૩૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ચક્રવાત અર્નબ મંગળવારે મોડી રાત્રે લગભગ ૩:૩૦ વાગ્યે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. આ દરમિયાન ૧૨૫થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા અને ભારે વરસાદ પડયો હતો.




