સપનાં જોયાં, સંકલ્પ કર્યો અને ઇતિહાસ રચ્યો!
ખેડૂત પરિવારની દીકરી શીતલબા બુટિયાએ ડાયરેક્ટ ડી.વાય.એસ.પી.ની પરીક્ષા પાસ કરી
- Advertisement -
આ સિધ્ધિથી નાડોદા રાજપૂત સમાજ અને વાડલા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું
નારીશક્તિને પ્રેરણા આપનાર શીતલબા બુટિયાએ જણાવ્યુ કે સંકલ્પ મજબૂત હોય તો સફળતા દૂર નથી!
ખેડૂત પરિવારની દીકરી જો દૃઢ સંકલ્પ કરે, તો મર્યાદિત સંસાધનો વચ્ચે પણ સફળતાનાં શિખરો સર કરી શકે છે, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ એટલે શીતલબા બળવંતસિંહ બુટિયા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના એવા વાડલા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલાં શીતલબાએ પોતાની મહેનત, દૃઢ મનોબળ અને પરિવારના સહયોગથી પોલીસ ઇન્સ્પેક્ટર (PI)થી ડાયરેક્ટ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DySP) બનવા સુધીની સફર ખેડી છે. તાજેતરમાં GPSC દ્વારા લેવામાં આવેલી ડાયરેક્ટ DySPની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ તેમણે પોતાના પરિવાર, ગામ અને નાડોદા રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાડલા ગામમાં ખેડૂત પરિવારમાં શીતલબાનો જન્મ થયો હતો. પરિવારનો પરંપરાગત વ્યવસાય ખેતીનો રહ્યો છે અને પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં જોડાયું નહોતું. આવા સંજોગોમાં કંઈક વિશેષ કરવાની, પરિવારનું નામ રોશન કરવાની અને સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાની ભાવનાએ શીતલબાના મનમાં મજબૂત સંકલ્પ જગાવ્યો. તેમણે સુરેન્દ્રનગરમાં જ પ્રાથમિક શિક્ષણથી લઈને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે તેઓ રાજકોટ આવ્યાં ત્યાં ખાનગી યુનિર્વસિટીમાં અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન તેમણે પોતાના જીવનનું લક્ષ્ય નક્કી કર્યું અને તેને સાકાર કરવા માટે સતત પ્રયત્નો શરૂ કર્યા.
પોતાના સપનાને સાકાર કરવા માટે શીતલબાએ વર્ષ 2019માં પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની પરીક્ષા આપી. પોતાની અથાગ મહેનત અને તૈયારીથી તેમણે આ પરીક્ષામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તાલીમ પૂર્ણ કરીને વર્ષ 2020માં તેમને પંચમહાલ જિલ્લામાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. પંચમહાલ જિલ્લામાં ફરજ દરમિયાન તેમણે પોલીસના વિવિધ વિભાગોમાં કામગીરી બજાવી હતી. ખાસ કરીને મહિલા પોલીસ સ્ટેશનમાં કામગીરી કરવાનો અનુભવ તેમની કારકિર્દીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો. પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં તેમણે જવાબદારીઓનો અનુભવ મેળવ્યો અને સાથે સાથે પોતાની કારકિર્દીને વધુ ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર પણ મજબૂત બનાવ્યો.
પોલીસની નોકરીમાં સમયની મર્યાદાઓ, વધતી જવાબદારીઓ અને પડકારો વચ્ચે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી સરળ નથી. પરંતુ શીતલબાએ મુશ્કેલીઓને પોતાના લક્ષ્યની આડે આવવા દીધી નહીં. માતા-પિતા, સાસુ-સસરા અને પતિના સહયોગથી તેમણે ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ આપવાનો નિર્ણય લીધો. ફરજની સાથે વાંચન વધાર્યું, નવા વિષયોનો અભ્યાસ કર્યો અને પોતાના જ્ઞાનમાં સતત વધારો કર્યો. તેમની સફરની સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે માતૃત્વની જવાબદારી નિભાવ્યા બાદ પણ તેમણે GPSCની પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી. પરિવાર, નોકરી અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવીને તેમણે સાબિત કર્યું કે દૃઢ ઇચ્છાશક્તિ અને યોગ્ય સહયોગ હોય તો જીવનની અનેક જવાબદારીઓ વચ્ચે પણ પોતાના સપનાં પૂરાં કરી શકાય છે.
હાલ શીતલબા બુટિયા છેલ્લા છ મહિનાથી રાજકોટ શહેરના રીડર વિભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આ દરમિયાન તેમણે GPSC દ્વારા લેવામાં આવેલી ડાયરેક્ટ DySPની પરીક્ષામાં સફળતા મેળવી છે. PI તરીકેની જવાબદારીઓ નિભાવવાની સાથે ઉચ્ચ પદ મેળવવા માટે કરેલી તેમની તૈયારી તેમની શિસ્ત, ધીરજ અને સતત શીખવાની ભાવનાને ઉજાગર કરે છે.
વાડલા ગામની દીકરીથી લઈને પોલીસ વિભાગના ઉચ્ચ પદ સુધી પહોંચેલી તેમની આ સફર માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ દરેક સમાજની દીકરીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો અને કારકિર્દી સાથે પરિવારની જવાબદારીઓ નિભાવતી મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ છે. નાડોદા રાજપૂત સમાજ બોર્ડિંગની વિદ્યાર્થિની તરીકેનો તેમનો સંબંધ પણ આ સિદ્ધિને વિશેષ મહત્ત્વ આપે છે. શીતલબા બુટિયા PIથી ડાયરેક્ટ DySP બનતાં નાડોદા રાજપૂત સમાજમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી છે.
PI શીતલબાનો સંદેશ : ફેમિલિ અને ફિલ્ડ બંને સંભાળવાની શક્તિ દરેક સ્ત્રીમાં છે
શીતલબા બળવંતસિંહ બુટિયાએ સમાજની મહિલાઓને પ્રેરણાદાયી સંદેશ આપતાં જણાવ્યું છે કે ફેમિલિ અને ફિલ્ડ, બંને જવાબદારીઓ સંભાળવાની શક્તિ દરેક મહિલામાં રહેલી છે. સ્ત્રી જો મનમાં દૃઢ સંકલ્પ કરે, તો તેના માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી. શીતલબાનો આ સંદેશ મહિલાઓને પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખવા, શિક્ષણને મહત્ત્વ આપવા તેમજ સંજોગોથી હાર માનવાને બદલે સતત આગળ વધવા માટે પ્રેરણા આપે છે. શીતલબા બુટિયાની સફળતા એ વાતની સાક્ષી છે કે સફળતા માટે માત્ર અનુકૂળ સંજોગો જ નહીં, પરંતુ મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને પરિવારનો સહયોગ પણ એટલો જ મહત્ત્વનો છે. વાડલા ગામના ખેડૂત પરિવારથી શરૂ થયેલી તેમની સફર આજે અનેક દીકરીઓ માટે આશાનું કિરણ બની છે.




