ભારતના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર્સ ઉપર અમેરિકામાં સકંજો
અમેરિકાના લાસ વેગાસમાંથી બંનેની ધરપકડ: હિમાંશુ ભાઉનું 30થી વધુ ગંભીર કેસમાં નામ
- Advertisement -
ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ બાદ તેના નજીકના સાથી અને હરિયાણાના પલવલ જિલ્લાના ફરીદપુર ગામના રહેવાસી કુખ્યાત ગેંગસ્ટર તથા હિસ્ટ્રીશીટર નીરજ ફરીદપુરિયાની પણ અમેરિકામાંથી જ ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા STFના ઇનપુટના આધારે તેને અમેરિકાના લાસ વેગાસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. નિરજ ફરીદપુરિયા બંબિહા ગેંગનો સરદાર છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કટ્ટર દુશ્મન પણ છે. તે હત્યા, ખંડણી અને બળજબરીથી વસૂલી જેવા અનેક કેસોમાં વોન્ટેડ હતો. વિદેશમાં બેસીને વસૂલી સિન્ડિકેટ ચલાવતા આ ગેંગસ્ટરને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હિમાંશુ ભાઉની જેમ, નીરજ ફરીદપુરિયા પણ હરિયાણા પોલીસની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં સામેલ હતો. તેની વિરુદ્ધ હત્યા, અપહરણ અને બળજબરીથી વસૂલી જેવા અનેક કેસ નોંધાયેલા છે. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના એસપી ચંદ્રમોહને એપ્રિલ ૨૦૨૫માં દાવો કર્યો હતો કે નીરજ ફરીદપુરિયાને ભારત પરત લાવવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ તેને પરત લાવીને તેની સાથે હિસાબ જરૂર સરભર કરવામાં આવશે. હવે તેની વિદેશમાં ધરપકડ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નીરજ અને હિમાંશુ ભાઉ બંનેને ૨૨ ઓક્ટોબરે અમેરિકાના લાસ વેગાસમાંથી એકસાથે પકડવામાં આવ્યા છે. હરિયાણા STFના ઈનપુટના આધારે અમેરિકામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન એજન્સી ICEની મદદથી બંને ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી છે. બંનેને ભારત ડિપોર્ટ કરાવવા માટે હરિયાણા STF કેન્દ્રીય એજન્સીઓ સાથે ગજબના સંપર્કમાં છે. જણાવી દઈએ કે અમેરિકામાં ICE હેઠળ કામ કરતી ERO ડિવિઝન ઈમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનના કેસોમાં કસ્ટડી અને દેશમાંથી હકાલપટ્ટીની કાર્યવાહી કરે છે.
હિમાંશુ સામે દિલ્હી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને હથિયારોની તસ્કરી જેવા ૩૦થી વધુ ગંભીર કેસ નોંધાયેલા છે. મીડિયા અહેવાલોમાં આ માહિતી સામે આવી છે. ઈન્ટરપોલે તેની વિરુદ્ધ ૨૦૨૩માં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. હરિયાણા પોલીસે તેના પર ૨.૫ લાખ રૂપિયા અને દિલ્હી પોલીસે ૧ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ૨૦૨૨માં હરિયાણામાં ૨૪ કલાકમાં ત્રણ હત્યાઓ થયા બાદ હિમાંશુ ચર્ચામાં આવ્યો હતો. હિમાંશુ ભાઉની ગેંગે જ ૨૦૨૫માં યુટ્યુબર એલ્વિશ યાદવના ગુરુગ્રામ સ્થિત ઘર બહાર થયેલા ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. હિમાંશુની લોરેન્સ અને ગોલ્ડી બરાડ ગેંગ સાથે દુશ્મની હોવાનું માનવામાં આવે છે.
17 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં પગ મૂક્યો, 24 કલાકમાં 3 હત્યાથી ચર્ચામાં આવ્યો
- ૨૪ વર્ષીય હિમાંશુ ભાઉ હરિયાણાના રોહતક જિલ્લાના રિતોલી ગામનો રહેવાસી છે.
- તેણે ૧૭ વર્ષની ઉંમરે રોહતકના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ખંડણી વસૂલીને ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
- રિતોલી ગામના સ્થાનિક યુવક સનીની હત્યા બાદ હિમાંશુ ભાઉ ૨૦૨૦માં હિસારના બાળ સુધારગૃહમાંથી આશરે ૨૦ છોકરાઓ સાથે ફરાર થઈ ગયો હતો.
- તે જેલમાં બંધ ગેંગસ્ટર નીરજ બવાનાને મળ્યો અને વેપારીઓને ખંડણી માટે ધમકાવવા લાગ્યો. બાદમાં તેણે પોતાની ગેંગ બનાવી લીધી.
- હરિયાણા અને દિલ્હી-એનસીઆરની અનેક ગુનાહિત ઘટનાઓમાં તેનું નામ સામે આવ્યું છે. તેના વિરુદ્ધ ૧૬ હત્યા અને હત્યાના પ્રયાસ સહિત ૩0થી વધુ કેસ નોંધાયેલા છે.
- ૨૦૨૨માં હરિયાણામાં ૨૪ કલાકની અંદર થયેલી ત્રણ હત્યાઓમાં નામ સામે આવ્યા બાદ હિમાંશુ ભાઉ ચર્ચામાં આવ્યો હતો.
- તેના પર વેપારીઓ, દારૂના ઠેકેદારો અને પ્રોપર્ટી કારોબારીઓ પાસેથી ખંડણી માગવા તથા તેમને ડરાવવા માટે ગોળીબાર કરાવવાનો આરોપ છે.




