દેવગઢ બારિયામાં યોજાયેલી ૪૫મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ઝળહળતી સફળતા
૭૫ વર્ષથી વધુ વયજૂથમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર દોડ અને ૫ કિમી ચાલમાં પ્રથમ સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું
- Advertisement -
ઉંમર માત્ર એક આંકડો છે અને મનમાં કંઈક કરી બતાવવાની મક્કમ ઇચ્છાશક્તિ હોય તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે, તે વાત સુરેન્દ્રનગરનાં રંજનબેન ઠાકરે સાબિત કરી બતાવી છે. ૭૫ વર્ષથી વધુની ઉંમરે પણ રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, નિયમિત કસરત અને દૃઢ મનોબળ જાળવી રાખનાર રંજનબેને એથ્લેટિક્સ ક્ષેત્રે શાનદાર સિદ્ધિ મેળવી છે. દેવગઢ બારિયા મુકામે ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન દ્વારા આયોજિત ૪૫મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ-૨૦૨૬માં તેમણે ત્રણ અલગ-અલગ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી ત્રણ સુવર્ણ ચંદ્રકો જીતવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ ૩૦ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓએ પોતાની રમતગમતની પ્રતિભા અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં રંજનબેને પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
રંજનબેને ૭૫ વર્ષથી વધુ વયજૂથની મહિલા કેટેગરીમાં ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ અને પાંચ કિલોમીટર ચાલ જેવી ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ત્રણેય સ્પર્ધામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. ઉંમરના આ પડાવ પર આવી સિદ્ધિ મેળવી તેમણે પોતાની શારીરિક ક્ષમતા, સતત મહેનત અને આત્મવિશ્વાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમતગમતના મેદાનમાં તેમની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ પૂરતી સીમિત નથી, પરંતુ ગુજરાત માટે ગૌરવની બાબત છે. તેમની સિદ્ધિ દર્શાવે છે કે નિયમિત કસરત, શિસ્તબદ્ધ જીવનશૈલી અને હકારાત્મક અભિગમ દ્વારા વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.
રંજનબેનના મતે દરેક વ્યક્તિએ જીવનના દરેક તબક્કે શારીરિક અને માનસિક રીતે સક્રિય રહેવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં શરીરની તંદુરસ્તી, સ્વતંત્ર રીતે દૈનિક કાર્યો કરવાની ક્ષમતા અને શરીરનું સંતુલન જાળવવા માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિદ્ધાંતને જીવનમાં ઉતારતાં રંજનબેન નિયમિત કસરતને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેઓ વાંચન, ગૂંથણકામ અને ભરતકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સમય વિતાવે છે. આ રીતે શારીરિક કસરત અને મનને સક્રિય રાખતી પ્રવૃત્તિઓના સમન્વયથી તેઓ જીવનમાં ઉત્સાહ અને સકારાત્મકતા જાળવી રાખે છે.
- Advertisement -
પોતાની આ સફળતા અંગે રંજનબેને પરિવારજનોના સહકારને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “મારા વિભક્ત છતાં સંયુક્ત પરિવારના સહકાર વગર આવી ઈશ્વરકૃપા અશક્ય છે.” તેમણે પોતાની સફળતામાં પરિવારના પ્રોત્સાહન અને સહકારને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. આ ઉપરાંત સી. યુ. શાહ ફિઝિયોથેરાપીના કાર્ડિયાક વિભાગ તેમજ ડૉ. હેમાશ્રીબેન કાટબામણા દ્વારા મળેલા માર્ગદર્શન બદલ પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારનો સાથ, યોગ્ય માર્ગદર્શન અને પોતાની નિયમિત મહેનતના સમન્વયથી તેઓ આ સિદ્ધિ સુધી પહોંચી શક્યાં છે.
નારીશક્તિ માટે પ્રેરણારૂપ બની સિદ્ધિ
૭૫ વર્ષથી વધુની ઉંમરે ત્રણ સુવર્ણ ચંદ્રકો જીતનાર રંજનબેન ઠાકરની સિદ્ધિ દરેક ઉંમરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. ઘણી વખત વધતી ઉંમરને કારણે શારીરિક પ્રવૃત્તિઓ મર્યાદિત થઈ જાય છે, પરંતુ રંજનબેને પોતાની સિદ્ધિ દ્વારા સાબિત કર્યું છે કે યોગ્ય કાળજી, નિયમિત કસરત અને મક્કમ મનોબળથી જીવનના કોઈપણ તબક્કે નવી ઊંચાઈઓ સર કરી શકાય છે. તેઓ પોતાની આ સફળતા દ્વારા દરેક મહિલાને સક્રિય રહેવા, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવા અને જીવનમાં હંમેશાં કંઈક નવું કરવાની પ્રેરણા આપવા માંગે છે. તેમની આ સુવર્ણ હેટ્રિક માત્ર ત્રણ ગોલ્ડ મેડલની જીત નથી, પરંતુ આત્મવિશ્વાસ, સકારાત્મક જીવનશૈલી અને નારીશક્તિના અદમ્ય સામર્થ્યનો સંદેશ પણ છે. રંજનબેન ઠાકરે સાબિત કર્યું છે કે સફળતા મેળવવા માટે ઉંમર નહીં, પરંતુ મનમાં રહેલો ઉત્સાહ, સતત પ્રયત્ન અને દૃઢ નિર્ધાર મહત્ત્વપૂર્ણ છે. તેમની આ સિદ્ધિ અનેક લોકોને સ્વસ્થ, સક્રિય અને આનંદમય જીવન જીવવા માટે પ્રેરણા આપતી રહેશે.




