વિશાખાપટ્ટનમમાં વરસાદ, જુલાઈના કુલ વરસાદથી દોઢ ગણોઃ MP-UPમાં એલર્ટ
બંગાળની ખાડીમાંથી ઉઠેલું વાવાઝોડું ‘અર્નબ’ મંગળવારે મોડી રાત્રે ૩:૩૦ વાગ્યે આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટક્યું. અહીં ૧૨૫થી ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે ૫૦ ટ્રેનો અને વિજયવાડા-વિશાખાપટ્ટનમ એરપોર્ટની ર૧ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ૪,૦૦૦ ચક્રવાતી આશ્રયસ્થાનો (સાઇક્લોન શેલ્ટર) બનાવવામાં આવ્યા છે. ઓડિશામાં ભારે વરસાદને કારણે ૧૬ જિલ્લાઓમાં શાળાઓ બંધ છે. અહીં ૩૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમમાં ૨૭ ઓક્ટોબરની સવારે ૮:૩૦ વાગ્યાથી ૨૮ ઓક્ટોબરની સવારે ૩ વાગ્યા સુધી, એટલે કે લગભગ ૧૮ કલાકમાં ૨૦૦ મિમીથી વધુ વરસાદ નોંધાયો. આ જુલાઈમાં થનારા સરેરાશ વરસાદના દોઢ ગણાથી વધુ છે. અહીં જુલાઈમાં સરેરાશ ૧૩૩ મિમી વરસાદ પડે છે.
આ વાવાઝોડાને પગલે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદ, ભારે પવનો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે. જ્યારે તેલંગાણા અને છત્તીસગઢમાં ૨૮-૨૯ ઑક્ટોબરે ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પૂર્વી મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઝારખંડ અને બિહારમાં ૨૮થી ૩૦ ઑક્ટોબર દરમિયાન વરસાદ, બિહારમાં ૨૯-૩૦ ઑક્ટોબરે કેટલીક જગ્યાએ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પૂર્વી યુપીમાં ૨૯-૩૦ ઑક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડા “અર્નબ’ને લઈને છત્તીસગઢનું રાયપુર પ્રશાસન એલર્ટ છે. ગામડાઓમાં ઢોલ વગાડીને જાહેરાત કરાવવામાં આવી રહી છે. બચાવ અને રાહત ટીમને એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.




