રાજકોટમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગો સામે મનપાની લાલ આંખ
આંખ રોગચાળો ડામવા એક લાખથી વધુ ઘરોમાં પોરાનાશક તપાસ; પાણીજન્ય રોગો અટકાવવા 2554 R.C. ટેસ્ટ પૂર્ણ
- Advertisement -
રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાને નાથવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીના સહારે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા પરંપરાગત પદ્ધતિઓની સાથોસાથ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરોના સંભવિત ઉત્પત્તિ સ્થળો શોધી સોર્સ રિડક્શનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.મનપા વિસ્તારના કુલ ૧૬૧.૮૫ ચો.કિ.મી. પૈકી અત્યાર સુધીમાં ૧૪૭.૭૯ ચો.કિ.મી. વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ પૂર્ણ કરી લેવાયું છે. આ સર્વે દરમિયાન શહેરમાંથી કુલ ૧૭,૮૫૯ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળો (બ્રીડિંગ સોર્સ) શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ૧૪,૩૨૦ સ્થળો પર આરોગ્ય કર્મચારીઓએ દવા છંટકાવ અને સોર્સ રિડક્શનની કામગીરી પૂર્ણ કરી છે. ઉપરાંત, દુર્ગમ વોકળા, નદીના પટ અને ખુલ્લા ખાડા-ખાબોચિયા જેવા સ્થળોએ ડ્રોન દ્વારા કુલ ૩૦૬ કલાક જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.તા. ૨૨ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW ટીમ દ્વારા ૧,૦૭,૬૪૩ ઘરોમાં પોરાનાશક તપાસ અને ૯૮૮ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર વ્હીકલ માઉન્ટેડ મશીનથી ફોગિંગ ચાલુ છે. મચ્છરોની ઉત્પત્તિ મળવા બદલ રહેણાંક વિસ્તારના ૨૪૭ તેમજ બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, સેલર સહિત કોમર્શિયલ એકમોના ૮૭ મળી કુલ ૩૩૪ આસામીઓને મનપા દ્વારા નોટિસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.પાણીજન્ય રોગચાળો ફેલાતો રોકવા માટે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા ફિલ્ડમાં ૨,૫૫૪ જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન (R.C.) ટેસ્ટ કરવામાં આવ્યા છે.મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માનવીય બેદરકારી અને ચોખ્ખા પાણીના સંગ્રહને કારણે ઝડપથી ફેલાતા હોવાથી મનપા તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા, પીવાનું પાણી ઉકાળીને પીવા તેમજ સર્વે દરમિયાન મનપાની આરોગ્ય ટીમને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.




