13 ઓક્ટોબરે ફેડરેશન્સની સમીક્ષા બેઠક; બેડમિન્ટન-શૂટિંગમાં સિનિયર્સના નબળા પ્રદર્શન પર જવાબદેહી નક્કી થશે
પેરા ગેમ્સ વિદાય સમારંભમાં પસંદગી વિવાદઃ કોચ પર 50% કમિશનનો આક્ષેપ, મનસુખ માંડવિયા ખેલાડીઓને મળશે
- Advertisement -
ભારતીય ખેલાડીઓની સઘન તૈયારીઓ પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૭૦૦ કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કર્યા છતાં આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતના મેડલ ઘટતાં રમત મંત્રાલયે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. અપેક્ષા કરતાં અત્યંત નબળા અને નિરાશાજનક પ્રદર્શનની ગંભીર નોંધ લઈને મંત્રાલયે આગામી ૧૩ ઓક્ટોબરે વિવિધ રાષ્ટ્રીય રમત મહાસંઘોની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે, જેમાં શૂટિંગ, બેડમિન્ટન અને એથ્લેટિક્સ જેવી રમતોમાં સિનિયર ખેલાડીઓની જવાબદેહી નક્કી કરવામાં આવશે.
મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આટલા મોટા આર્થિક રોકાણ બાદ દેશને ઓછામાં ઓછા ૧૫૦ મેડલ મળવા જોઈતા હતા. પરંતુ અનુભવી ખેલાડીઓ મેદાન પર ‘કમ્ફર્ટ ઝોન’માં જોવા મળ્યા હતા. ઓલિમ્પિક પદક વિજેતાઓની હાજરી છતાં બેડમિન્ટનમાં માત્ર એક બ્રોન્ઝ મેડલ મળ્યો, જ્યારે પિસ્તોલ શૂટરો ખાલી હાથે પરત ફર્યા હતા. ર૩ રમતોમાં ૮૯ અનુભવી ખેલાડીઓ સદંતર નિષ્ફળ રહ્યા હતા, જ્યારે પ્રથમ વખત ઉતરેલા ૩૧૦માંથી ૧૦૬ યુવા ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. મંત્રાલય હવે ‘ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ’ (TOPS) ના ફંડિંગની પણ સમીક્ષા કરશે, જેમાં ૯ રમતોના ૩૪ ખેલાડીઓ પર રૂ. ૨૭ કરોડ ખર્ચવા છતાં ધાર્યું પરિણામ મળ્યું નથી. ઉપરાંત નાગોયા પહોંચ્યા બાદ જ્યોતિ યારાજી, પ્રવીણ ચિત્રાસ્પદ અને યશાસ પલાક્ષા જેવા એથ્લેટ્સની ઈજાઓ સામે આવતાં અનફિટ ખેલાડીઓને મોકલવા બદલ પણ ફેડરેશનોને આડે હાથ લેવાશે. ર૦૨૩ની હાંગઝોઉ ગેમ્સમાં ભારતે ૧૦૬ મેડલ (૨૮ ગોલ્ડ) જીત્યા હતા, જેની સામે ૨૦૨૬માં ભારત માત્ર ૮૫ મેડલ (ર૧ ગોલ્ડ) પર જ સીમિત રહેતાં ર૧ મેડલ પાછળ રહી ગયું છે. બીજી તરફ, ૧૮ થી ર૪ ઓક્ટોબર દરમિયાન યોજાનારી પેરા એશિયન ગેમ્સ પૂર્વે ભારતીય ટીમના વિદાય સમારંભમાં મોટો વિવાદ સર્જાયો હતો.




