ધનતેરસે માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં 1200થી વધુ શોટ્સની ભવ્ય આતશબાજી યોજાશે
કાર્નિવલ દરમિયાન આકર્ષક લાઈટિંગ, ભવ્ય પરેડ તેમજ નાગરિકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ રંગોળી સ્પર્ધા યોજાશે
- Advertisement -
દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે આગામી તા. ૫થી ૮ નવેમ્બર દરમિયાન રેસકોર્સ રીંગ રોડ ખાતે ચાર દિવસીય દિવાળી કાર્નિવલ અને રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વીજળીની બચત અને જાહેર નાણાંના કરકસરભર્યા ઉપયોગના પડકાર વચ્ચે, ઉત્સવનો માહોલ જળવાઈ રહે અને બિનજરૂરી ખર્ચ નિયંત્રણમાં રહે તે રીતે આયોજન કરાયું હોવાની માહિતી મેયરે આપી છે. આ સમગ્ર આયોજન પાછળ અંદાજે 25 લાખનો ખર્ચ થશે, જેનું શોર્ટ ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.
વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળી એમ સતત ચાર દિવસ સુધી સમગ્ર રેસકોર્સ રિંગ રોડને મનમોહક રોશનીથી શણગારવામાં આવશે. આ કાર્નિવલ દરમિયાન આકર્ષક લાઈટિંગ, ભવ્ય પરેડ તેમજ નાગરિકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ રંગોળી સ્પર્ધા યોજાશે, જે નગરજનો માટે તહેવારોનું મુખ્ય આકર્ષણ બનશે.કાર્નિવલનું સર્વોચ્ચ આકર્ષણ ધનતેરસ (તા. ૬ નવેમ્બર)ના રોજ સાંજે ૭ કલાકે યોજાનારી ભવ્ય આતશબાજી રહેશે. રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આકાશમાં અદભુત નજારો સર્જવા માટે ૧૨૦૦થી વધુ આકર્ષક ફટાકડા ફોડવામાં આવશે. જેમાં કોમેટ, માઈન્સ, એરિયલ શોટ, મલ્ટીકલર શોટ, ક્રેકલિંગ શોટ, મ્યુઝિકલ સેટ અને સાયરનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે ૨૦૦ ફૂટ લાંબું નાયગ્રા ફોલ્સ લાઈટિંગ, ‘હેપ્પી દિવાળી’નું રોશની બોર્ડ, પીકોક, ખજૂરી, સૂર્યમુખી, પામ ટ્રી, ગોલ્ડન સ્ટાર અને અશોક ચક્ર જેવી મનમોહક આકાશી રચનાઓ પણ આતશબાજીમાં રજૂ કરાશે.




