રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે ૩ નવેમ્બર સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલમાં નાગરિકોની ભારે ભીડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬”ને શહેરીજનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રેસકોર્સ સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તા. ૨૩ ઓક્ટોબરથી શરૂ થયેલો આ મેળો આગામી તા. ૩ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગસાહસિકો અને ઉત્પાદકોને એક વિશાળ મંચ પૂરું પાડવા તેમજ નાગરિકોમાં સ્થાનિક ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી યોજાયેલા આ મેળામાં વિવિધ પ્રકારની સ્વદેશી ચીજવસ્તુઓનું વિશાળ વેચાણ થઈ રહ્યું છે. ખરીદીની સાથોસાથ મેળામાં ઊભા કરાયેલા ખાસ ‘સાંસ્કૃતિક કોર્નર’માં કલાકારો દ્વારા દરરોજ વિશિષ્ટ કલાપ્રસ્તુતિઓ પીરસવામાં આવી રહી છે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. શહેરીજનો ઉત્સાહભેર ખરીદીની સાથે-સાથે મનોરંજન અને ભારતીય સંસ્કૃતિનો આનંદ માણી રહ્યા છે. આ મેળો માત્ર ખરીદી પૂરતો સીમિત ન રહેતાં દેશના આર્થિક સ્વાવલંબન અને સ્થાનીય વ્યવસાયોને મજબૂત કરવાનું એક સબળ માધ્યમ બન્યો છે.




