રાષ્ટ્રીય ઔષધિ ભાવ નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) ના નિર્ણયથી 73% દવાઓના ભાવ ઘટયા; 217 દવાઓ અડધાથી વધુ સસ્તી
ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત કરાતા પાલ્બોપ્રો કેપ્સ્યુલ સહિતની દવાઓના ભાવ ઘટ્યા; નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ
- Advertisement -
કેન્સરના દર્દીઓ માટે એક ખૂબ જ રાહતજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય ઔષધિ ભાવ નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) ના કડક આદેશ અને ટ્રેડ માર્જિન ૩૦% સુધી મર્યાદિત કરવાના નિર્ણય બાદ દેશમાં કેન્સરની ૫૪૩ દવા બ્રાન્ડ્સ અને પેકના મહત્તમ છૂટક ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ યાદીમાં સામેલ ૩૯૭ (૭૩%) દવાઓના ભાવ સીધા ઘટાડી દેવાયા છે, જેમાં ૨૧૭ દવાઓ તો અડધાથી પણ ઓછા ભાવે ઉપલબ્ધ થશે. આ નવી કિંમતો આગામી ૯ નવેમ્બરથી અમલમાં આવશે.
કિંમતોમાં આવેલા આ જંગી ઘટાડાથી દર્દીઓને મોટી આર્થિક રાહત મળશે. સૌથી મોટો ઘટાડો ‘સેમટેવા’ (થિયોટેપા ૧૦૦ મિલિગ્રામ ઇન્જેક્શન, ૧ વાયલ) માં જોવા મળ્યો છે, જેની કિંમત અગાઉ ₹૮૦,૦૭૧.૮૬ હતી તે ઘટીને હવે માત્ર ૨૭,૧૫૦.૩૩ થઈ ગઈ છે. આ ઉપરાંત, ‘પાલ્બોસિક્લિબ’ જૂથની પાલ્બોપ્રો દવામાં પણ ભારે રાહત મળી છે, જેના ૨૧ કેપ્સ્યુલના પેકની કિંમત ₹૪૦,૪૨૧ થી ઘટીને માત્ર ₹૨,૭૨૦ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ૯૭બ્રાન્ડ્સના ભાવમાં ૭૦% થી વધુ, ૫૦માં ૮૦% થી વધુ અને ૫ બ્રાન્ડ્સના ભાવમાં તો ૯૦% થી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે, સૂચિમાં સામેલ ૧૪૬ બ્રાન્ડ-પેકની કિંમતો અગાઉ જેવી જ યથાવત રાખવામાં આવી છે, જેમાં કેટલીક મોંઘી પેટન્ટવાળી દવાઓનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, સપ્લાય ચેઇનમાં માર્જિનની કડક તપાસ હોવી જરૂરી છે જેથી દર્દીઓને વાજબી ભાવે દવાઓ મળી રહે અને સાથે જ કંપનીઓ પુરવઠો પણ ચાલુ રાખે.




