રાજકોટ – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આગામી તા. ૨ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી રાજયવ્યાપી ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમનો શુભારંભ થનાર છે. આ કાર્યક્રમના આયોજન અંગેની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલે આ કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજયભરમાં યોજાનાર ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમનો શુભારંભ રાજકોટ ખાતેથી થનાર છે. ધર્મેન્દ્ર કોલેજ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રાજયસરકારની વિવિધ લોકલ્યાણલક્ષી યોજનાના કુલ ૩૬ લાભાર્થીઓને મુખ્ય સ્ટેજ પરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે મળવાપાત્ર લાભોનું વિતરણ કરાશે. તદુપરાંત, અન્ય લાભાર્થીઓને મુખ્ય કાર્યક્રમની સમાપ્તિ બાદ યોજનાકીય લાભો આપવામાં આવશે. સ્ટેજ પરના લાભાર્થીઓ માટે પ્રવેશપાસની વ્યવસ્થા કરવા, તેમનું લિસ્ટ મુખ્યમંત્રીની સુરક્ષા ટીમને સમયસર પહોંચાડવા, અન્ય વિભાગોના લાભાર્થીઓ નિયત કરી તેમને જાણ કરવા, સભાસ્થળે વીજળી-પાણી-ઇન્ટરનેટ-બેરીકેટ-મોબાઇલ ટોઇલેટ-પંખા-સ્ટેન્ડ બાય જનરેટર-સાઇનબોર્ડ વગેરે બાબતોની પૂરતી તકેદારી રાખવા સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમણે સૂચના આપી હતી.
- Advertisement -
રાજયસરકારની યોજનાઓનો લાભ મેળવવાના ખરા હક્કદાર નાગરિકો સુધી આ કાર્યક્રમની જાણકારી પહોંચે અને તેઓ વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે તે માટેનું સુચારૂ આયોજન ગોઠવવા ઠક્કરે ઉપસથિત અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. આ કાર્યક્રમના લાયેઝન અધિકારીઓને કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન ઉભી થાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણી, એડીશ્નલ કલેકટર એન.આઇ. ધાધલ, પ્રાંત અધિકારી સર્વ સિધ્ધાર્થ ગઢવી, વીરેન્દ્ર દેસાઇ અને ચરણસિંહ ગોહિલ, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પાણી પુરવઠા વિભાગના એચ.ડી.જોધાણી, મહિલા અને બાળ અધિકારી જે.સી.ગોહિલ, સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરીયા, જિલ્લા બાગાયત અધિકારી કાતરીયા, વિકસતી જાતિના નાયબ નિયામક સી.એન.મિશ્રા, તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


