વિરાટ કોહલી જેવી ફિટ બોડી મેળવવા ખેલાડીઓ ઓઝેમ્પિક અને માઉન્જારો જેવી GLP-1 દવાઓ તરફ વળ્યાનો દાવો
ભારતીય ક્રિકેટ ટીમ અને આઈપીએલ (IPL)માં સતત વધી રહેલી ઈન્જરી-ક્રાઇસિસ વચ્ચે ખેલાડીઓની ફિટનેસને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. વિરાટ કોહલી જેવી અત્યંત ફિટ અને ઍથ્લેટિક બોડી મેળવવાના
દબાણમાં કેટલાક ભારતીય ક્રિકેટરો વજન ઘટાડવા માટે શોર્ટકટ અપનાવી રહ્યા છે. અહેવાલો મુજબ, ઝડપથી વજન ઘટાડવા અને પાતળા દેખાવા માટે ખેલાડીઓ ઓઝેમ્પિક (Ozempic) અને માઉન્જારો (Mounjaro) જેવા વજન
ઘટાડવાના ઇન્જેક્શન તરફ વળ્યા છે. આ ખેલાડીઓમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમતા કેટલાક જાણીતા ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, GLP-1 (ગ્લુકાગન લાઇક પેપ્ટાઇડ-૧)
આધારિત આ દવાઓ મૂળભૂત રીતે ડાયાબિટીઝની સારવાર માટે ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવે છે. જોકે, તેનો ઉપયોગ વેઇટ- મેનેજમેન્ટ અને ભૂખને નિયંત્રિત કરવા માટે પણ થઈ રહ્યો છે. ઓઝેમ્પિક ઇન્જેક્શન ભૂખ
ઘટાડવામાં, પાચનક્રિયા ધીમી કરવામાં અને બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જ્યારે માઉન્જારો ઝડપથી વજન ઘટાડવા માટે જાણીતી છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડોક્ટરની યોગ્ય સલાહ વગર શોર્ટકટ
તરીકે લેવાતી આ દવાઓની ગંભીર આડઅસરો પણ થઈ શકે છે, જેમાં સતત ઊલટી, ઊબકા, ઝાડા અને કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. અહેવાલો મુજબ આ હાઇ-પ્રોફાઇલ ઇન્જેક્શનની કિંમત
રૂ. ૧૩,૦૦૦ થી રૂ. ૨૫,૦૦૦ સુધીની હોય છે. ક્રિકેટમાં વધતી સ્પર્ધા અને ટીમમાં સ્થાન જાળવી રાખવાના ભારે પ્રેશરના કારણે ખેલાડીઓ કુદરતી ટ્રેનિંગના બદલે મોંઘા ઇન્જેક્શન જેવા કૃત્રિમ માર્ગો અપનાવી રહ્યા છે.
રમતગમત ક્ષેત્રે આ પ્રકારના કેમિકલ આધારિત શોર્ટકટ ખેલાડીઓના લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને કારકિર્દી સામે મોટો ખતરો ઊભો કરી શકે છે.




