સ્વ. વિઠ્ઠલભાઈ આજે પુસ્તક સ્વરૂપે લોકો વચ્ચે પુનઃ જીવંત બન્યા છે
પ્રશ્નોથી ભાગવાનો નહીં, પરંતુ સામી છાતીએ મુકાબલો કરવો એ રાદડીયા પરિવારનો ગુણ રહ્યો છે
નેતા સક્રિય હોય, જાગતો હોય, પ્રજાના કાર્યો માટે હરહંમેશ તૈયાર હોય તેવા જૂજ નેતા પૈકીના એક સ્વ. વિઠ્ઠલભાઈ હતા.
“સાવજ નું કાળજું” પુસ્તક નવી પેઢીને સક્રિય રાજકારણમાં સેવા કરવાની નવી પ્રેરણા આપશે
લોકસેવા માટે સમર્પિત મારા પિતા ના જીવનમાંથી મને હરહંમેશ સેવાની પ્રેરણા મળે છે – મંત્રી જયેશભાઇ રાદડીયા
મુખ્યમંત્રીના હસ્તે સહકારી ક્ષેત્રના અગ્રણી, ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન – કવન આધારિત “સાવજનું કાળજું” પુસ્તકનું વિમોચન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી, ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના જીવનને આલેખતા “સાવજનું કાળજું” પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા પ્રજા માટે જાગતા અને પ્રજાના દુઃખમાં સહભાગી થનારા સક્રિય લોકનેતા હતા.
- Advertisement -
જીવન અને મૃત્યુ એ જીવનનો ક્રમ છે, પરંતુ મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે તેવું જીવન અમુક વીરલાઓને જ પ્રાપ્ત થતું હોય છે, આ વીરલાઓ પૈકીના એક એવા સ્વ. વિઠ્ઠલભાઈ આજે આપણી વચ્ચે નથી, તેમ છતાં પણ તેઓ આજે પણ લોક હ્રદયમાં જીવંત બની રહ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકનેતા સક્રિય હોય, જાગતો હોય, પ્રજાના કાર્યો માટે હરહંમેશ તૈયાર હોય તેવા જૂજ નેતાઓ પૈકીના એક લોકનેતા વિઠ્ઠલભાઈ રાદડિયા હતા. તેઓ આજે “સાવજનું કાળજું” પુસ્તક સ્વરૂપે લોકો વચ્ચે પુનઃ જીવંત બન્યા છે. આ પુસ્તક નવી પેઢીને સક્રિય રાજકારણમાં લોકોની સેવા કરવાની નવી પ્રેરણા આપતું રહેશે.
- Advertisement -
મુખ્યમંત્રી એ પ્રજાના પ્રશ્નો માટે હરહંમેશ જાગૃત રહેલા રાદડીયા પરિવારના કાર્યને બિરદાવતાં ઉમેર્યું હતું કે, પ્રશ્નોથી ભાગવાનો નહીં, પરંતુ સામી છાતીએ મુકાબલો કરવો એ રાદડીયા પરિવારનો ગુણ રહ્યો છે. તેમણે આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની તેમના પિતા સ્વ. વિઠ્ઠલભાઈની જેમ લોકોની સેવા કરવાની ભાવનાને પણ બિરદાવી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત દસેય દિશામાં આગળ વધે તે માટે “સબ સમાજ કો સાથ લિયે આગે બઢતે જાના હૈ” ના મંત્ર સાથે સરકાર કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે મારા પિતાનું સમગ્ર જીવન લોકસેવાને સમર્પિત હતું . તેમનું જીવન અને તેમણે આદરેલા લોકસેવાના કાર્યો સર્વ કોઇને સમાજ સેવાની પ્રેરણા આપે છે. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન રાહત સમિતિ, સિટી કાઉન્સીલ ઓફ જેતપુર સહિતની સંસ્થાઓના ઉપક્રમે જેતપુર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે તેમજ સૌરાષ્ટ્રમાં વિવિધ ૪૦ જેટલા સ્થળોએ સેવાના કાર્યો તેમજ રક્તદાન કેમ્પ અંતર્ગત સાત હજાર બોટલ રક્ત દર્દીઓની સારવાર માટે એકત્ર થયું છે, તેમ જણાવીને મંત્રી એ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સહભાગી થનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રી જયેશભાઇ રાદડિયાએ વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવન કવનને ઉજાગર કરતા “સાવજનું કાળજુ” પુસ્તકના લેખક રવજી ગાબાણીનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું. પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં ૬૧,૦૦૦ રેકોર્ડ બ્રેક પ્રત છપાતાં તેની ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડએ પણ નોંધ લીધી છે. મહાનુભાવોએ લેખક ઉપરાંત પ્રકાશન ટીમને પણ બિરદાવી હતી.

આ પ્રસંગે અગ્રણી જેન્તીભાઇ રામોલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાસુમન અર્પણ કરી મેગા સર્વરોગ મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પની મુલાકાત લઈને રક્તદાતાઓને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે સર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરત બોઘરા, કલેકટર અરૂણ મહેશ બાબુ, રેન્જ આઇ.જી. સંદિપ સિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, અગ્રણી મનસુખભાઈ ખાચરિયા, જશુમતીબેન કોરાટ, રાજુભાઈ હીરપરા, ગોરધનભાઈ ધામેલિયા, ગોવિંદભાઈ રાણપરીયા, જયરાજસિંહ જાડેજા, લલિતભાઈ રાદડિયા, સુરેશભાઇ રાખોલીયા, વેલજીભાઈ સરવૈયા, રામભાઈ જોગી, મતી કુસુમબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



