હત્યારા પિતાએ ગુનાને અંજામ આપી પોલીસ મથકે પહોંચી કહ્યું ’ મે મારા પુત્રને પતાવી દિધો છે ’
પિતા બાબુભાઈ દિકરા રામને મારવા જાડા લોખંડના પાઇપ, કુહાડા, હથોડા જેવા હથીયાર મકાનમાં રાખતા
- Advertisement -
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે શહેરના નહેરુનગર વિસ્તારમાં બાપે જ ત્રણ બહેનોના એકના એક ભાઈ એવા યુવાન પુત્રને હથોડાના આડેધડ ઘા માથામાં ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ છે ચોરી ચપાટી કરતાં પિતાને સીધી લાઈન પર લઈ આવવા અવારનવાર સમજાવતા પુત્રને માથાના ભાગે હથોડા મારી પતાવી દિધો હતો યુવાન પુત્રની હત્યા કર્યા બાદ પિતા બાબુ સવસેટા પોલીસ મથકે પહોંચી કહ્યું ’મે મારા પુત્રને પતાવી દિધો છે’ જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી મૃતદેહને ફોરેન્સીક પીએમમાં ખસેડાયો હતો.
અગાઉ નહેરુનગરમાં અને હાલ મોરબી રોડ જકાતનાકા સેટેલાઇટ ચોક પાસે સીલ્વર પાર્કમાં રહેતાં હંસાબેન બાબુભાઈ સવસેટા ઉ.62એ તેના જ પતિ બાબુ રઘા સવસેટા સામે 33 વર્ષીય પુત્ર રામની હત્યા કરવા અંગે ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી સેટેલાઇટ ચોક પાસે સીલ્વર પાર્કમાં છેલ્લા દોઢેક મહીનાથી નાની દિકરી રાધાબેન સાથે રહે છે. તેમના પતિ બાબુભાઈ સવસેટા તથા દિકરો રામ બન્ને ન્યુ નહેરૂનગરમાં રહે છે. પુત્ર રામ અગાઉ મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો. છેલ્લા છએક મહીનાથી કોઇ કામ કરતો ન હતો. પતિ બાબુભાઈ છેલ્લા પણ 26 વર્ષથી કોઇ કામ ધંધો કરતા ન હતા અને ઘરે પડયા પાથર્યા રહેતા હતા ફરીયાદીને સંતાનમાં એક દિકરો રામ તથા ત્રણ દિકરીઓ જેમાં સૌથી મોટી બે દિકરી સાસરે છે અને નાની દીકરી રાધાબેન જે તેઓ સાથે રહે છે. દિકરી રાધાબેનનો અઢી મહીના પહેલા પગ ભાંગી જતાં પગમાં સળીયો આવતાં તેને સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ બાદ દિકરીનો પતિ તેને મુકીને જતો રહેતા તે એકલી રહેતી હોય જેથી તેણી છેલ્લા સવા મહીનાથી દિકરી રાધાબેનની ઘરે સેવા ચાકરી માટે તેના ઘરે રહે છે તેણીના પતિ બાબુભાઈ સવસેટા સાવ હલકટ અને બારસલ્લો છે, તે ચોરી ચપાટી કરે છે, દિકરો રામ તેના પિતાને સુધરવા માટે અવાર નવાર કહેતો અને તેના કારણે પિતા-પુત્ર બન્નેને અવારનવાર ઘરમાં ઝઘડા થતા તેમ છતા પતિ સુધરતા ન હતા અને હુ મારા બાપનુ પણ માનેલ નથી તો મારા છોકરાનુ શુ માનુ તેમ કહેતા હતા. પતિ બાબુભાઈ દિકરા રામને મારવા માટે જાડા જાડા લોખંડના પાઇપ, કુહાડા તેમજ લોખંડના હથોડા જેવા હથીયાર મકાનમાં રાખતા હતા.
ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના આસપાસ તેણી દિકરી રાધાબેનના ઘરે સીલ્વર પાર્કમાં હતી ત્યારે મોટા જમાઇ રાજેશભાઈ ડાવેરા જે થોરીયાળી રહે છે, તે ઘરે તેડવા આવેલ અને વાત કેરેલ કે, તમારા કૌટુંબીક સગા રાહુલભાઇ જીલરીયાનો ફોન આવેલ હતો કે, તમે તાત્કાલીક રાજકોટ આવી જાવ તમારા સાળા રામ સવસેટાને તમારા સસરા બાબુભાઈએ તેમના ઘરે માથામાં હથોડા મારી અને મારી નાખેલ છે. જેથી તેણી ખુબજ ગભરાઈ ગયેલ અને જમાઇ રાજેશભાઇ ડાવેરા સાથે ઘરે પહોંચેલ અને જોયેલ તો દિકરો રામ રૂમમાં લોહી લોહાણ હાલતમાં હતો તેને માથામાં ડાબી આંખ ઉપર તેમજ માથામાં બીજી જગ્યાઓએથી ખુબજ લોહી નીકળતુ હતુ, રૂમ આખો લોહીથી ભરેલ હતો. પોલીસ હાજર હતી. બીજા જમાઇ વાલજીભાઈ બરબસીયા પણ હાજર હતા, તેઓએ પણ વાત કરેલ કે, બાબુભાઇએ રામને માથામાં હથોડા ઘા ઝીંકી મારી નાખેલ છે, તેને પોલીસ સ્ટેશનએ લઇ ગયેલ છે ગઈકાલે બપોરના સમયએ પણ ઝઘડો થયેલ અને તેના કારણે દિકરો રામ ઘરે સૂતો હતો ત્યારે ગાઢ નિંદ્રામાં જ પુત્રને માથાના ભાગે લોખંડના હથોડાના ઘા મારી પતાવી દિધો હતો. બનાવ અંગેની જાણ થતાં ડીસીપી હેતલ પટેલ, ભક્તિનગર પીઆઇ જે ડી પરમાર, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હથોડો કબ્જે કરી વધું તપાસ હાથ ધરી હતી પુત્રની હત્યા નીપજાવ્યાના બનાવમાં પોલીસે તુરંત જ આરોપીની ધરપકડ કરી સઘન પૂછતાછ હાથ ધરતા કબુલાત આપતા પિતાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર કોઈ કામકાજ કરતો ન હતો અને પોતાના મોજશોખ માટે તેમની મિલકતમાંથી ત્રણ દુકાનો અને એક મકાન વેચી નાખ્યા હતા જે બાબતે ચાલતાં ઝઘડામાં પુત્રની હત્યા કરી હતી.
- Advertisement -
જન્મદિવસે જ યુવાન પુત્રની અર્થી ઉઠી
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીના પુત્ર રામ સવસેટા ઉ.33નો આજે જન્મ દિવસ હતો આજે પુત્રના જન્મદિવસની ઉજવણી કરવાની હતી પરંતુ તે પૂર્વે જ તેમની હત્યા થઈ છે જન્મદિવસની ઉજવણીને બદલે ઘરમાંથી તેની અર્થી ઉઠી છે.
રક્ષાબંધન પર્વ પૂર્વે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
આગામી દિવસોમાં ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે પરંતુ તામસી સ્વભાવના પિતાએ પુત્રને હથોડાના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે.




