Life, don’t try to understand it, just feel it!
(જીવનને સમજવાનો પ્રયત્ન ન કરો પણ મહેસૂસ કરો.)
- Advertisement -
– ક્રિસ્ટોફર નોલાન
હમણાં ક્રિસ્ટોફર નોલાનનું ઓડિસી મૂવી આવવાનું છે તો ગ્રીક પુરાણકથાઓ ફરીથી ટ્રેન્ડમાં આવી છે તો તેના વિશે થોડી વાતો
- Advertisement -
નાનપણમાં પપ્પાએ ચાંદામામા વાંચવાની ટેવ પડાવેલી કે જેથી કરીને સત્વશીલ બાળસાહિત્ય પણ નજરમાં રહે, બાકી હું મોટેભાગે કૉમિક્સ જ વાંચતો. હવે એ સમયથી લઈને તે બંધ થયું સુધી ચંદામામામાં ધારાવાહિક વાર્તાઓ આવતી રહી હતી. એ સમયે મહાભારત, ગણેશપુરાણ, વિક્રમ વેતાળ જેવી સિરીઝોની હારોહાર એક બીજી શ્રેણી ઓન આવતી કે જે મને ત્યારે બહુ ગમતી – રૂપધરની યાત્રાઓ. ત્યારે કટકે કટકે તે બહુ વાંચી અને મને બહુ મજા પડી પણ બધા અંકો તો મારી પાસે થોડા હોય! થોડા મોટા થયા પછી જ્યારે પુસ્તકો વસાવવાનું શરૂ કર્યું ત્યારે મનમાં બહુ પ્રશ્ન થતો કે આ રૂપધર એટલે કોણ? ગ્રીક કથા હતી અને તેની પહેલા ભુવન સુંદરી નામે અન્ય એક ગ્રીક કથાની શ્રેણી આવતી એ ખબર પણ તેની મૂળ કથા વિશે કંઈ ખબર નતી. એકવાર બક્ષીનો લેખ વાંચીને ખબર પડી કે ગ્રીક પુરાણોમાં એક ઓડિશિયિસ નામે એક યોદ્ધા આવે છે કે જે ટ્રોઝન યુદ્ધમાં લડવા માટે ઘરેથી નીકળી ત્યારે જ ભવિષ્યવાણી થાય કે તે હવે 20 વર્ષ પછી જ ઘરે આવશે. હવે આ વાત વાંચીને દિમાગમાં બત્તી જલી કે આ વાતતો પેલા રૂપધરની યાત્રાઓમાં પણ વાંચી હતી. તે યોદ્ધા વિશે પણ એ જ પ્રોફેસી થઈ હોય છે. પછી આખું ચિત્ર સ્પષ્ટ થયું કે જે ભુવન સુંદરી શ્રેણી તેની પહેલા આવતી તે ઇલિયડ અને તેના બાદ રૂપધરની યાત્રાઓ એટલે ઓડિસી. બંને મહાકાવ્ય હોમરે રચેલા હતા. સિંદબાદની સાત સફર તો પછી આવી. તેની પહેલા ઓડિશિયસ હતો કે જે અજીબોગરીબ જગ્યાઓએ ફંસાઈ જઈને પછી પોતાના સાહસ, બુદ્ધિ અને કુશળતાનો ઉપયોગ કરીને આબાદ બચી નીકળતો. એક આંખવાલો દૈત્ય સાઈક્લોપ્સ, નાગકન્યાઓ, વિચિત્ર આદિવાસીઓ આ બધા વિશે વાંચવાની મજા બહુ આવી છે.ઓડિસી કથાનો યશવંત મહેતાએ રઝળતો રાજવી નામે સંક્ષિપ્ત અનુવાદ કર્યો છે. તેના સિવાય જયંત પંડ્યાએ ઈલિયડનો પદ્ય અનુવાદ કરેલો છે. અત્યારે આ બધું યાદ કરવાનું પ્રયોજન શું? તો એ કહેવાનું કે ક્રિસ્ટોફર નોલાને મહાકાવ્ય ઓડિસી પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તેમાં મેટ ડેમન, ટોમ હોલેન્ડ, લ્યુપિતા ન’ યોંગો, ઝેંડેયા જેવા કલાકારો હશે. નોલાન જેવી પ્રતિભા આ સોર્સ મટીરીયલ ને કેવો ન્યાય આપે છે તે જોવાની મજા આવશે.
ગ્રીક પુરાણોમાં એક પાત્ર છે: એકીલીસ. દંતકથા મુજબ તેની માતા થેટીસ તેને અજેય બનાવવા માટે સ્ટીક્સ નદીમાં સ્નાન કરાવે છે. તે નદી તેમાં સ્નાન કરનારને અવિજીત બનાવતી હોવાનું મનાતું. તેની માતાએ તેને પાનીથી પકડીને સ્નાન કરાવ્યું હોવાને કારણે તેની પાની તે નદીનાં જળનો સ્પર્શ કરી ન શકી. ફળસ્વરૂપે, તે ભાગ નાજુક જ રહી જવા પામ્યો. એટલે એકીલીસ ગમે તેવો અજેય યોદ્ધા હોવા છતાં પણ તેને પાની પર વાર કરીને હણી શકાયો. આ ઘટના પરથી અંગ્રેજીમાં રૂઢિપ્રયોગ આવ્યો: Achilles Heel એટલે કે એકીલીસની પાની કે જે કોઈ પ્રચંડ શક્તિશાળી વ્યક્તિનાં નબળા ગુણને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ઘણા લોકો વિરાટ પ્રતિભાના માલિક હોય છે પણ એક નાનીશી નબળાઈ તેમના વિનિપાતનું કારણ બને છે. આપણાં પુરાણોમાંથી કર્ણ અથવા દુર્યોધન એકીલીસની સમકક્ષ ગણી શકાય.

માત્ર પ્રતિભા હોય એ પૂરતું નથી. તે પ્રતિભાને સંભાળવાનો દમખમ પણ જોઈએ. પ્રતિભા ઘણા પાસે હોય છે પણ તે લોકોની તુચ્છ નબળાઈઓ તેઓની મહાન પ્રતિભાને ઢાંકી દે છે. તે નબળાઇઓનો લાભ સાધારણ પ્રતિભાવાળા લોકો લે છે અને મહાન પ્રતિભાશાળી લોકોને પાછળ રાખી દે છે.




