સ્થાપક પરેશભાઈ ડોડીયાનો સર્જનાત્મક વિચાર અને તંત્રી કિન્નર આચાર્યનો પારિવારિક વ્યવહાર એ ખાસ-ખબરની સફળતાનું રહસ્ય
ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં ડિજિટલ યુગની શરૂઆતને નવી દિશા આપનારું અખબાર : ખાસ-ખબર
- Advertisement -
પત્રકારત્વ શીખવા – સમજવા ઈચ્છતા યુવાઓ માટે તો ખાસ-ખબર અખબારનું કાર્યાલય જાણે એક પાઠશાળા
‘છોડે નહીં કોઈ કસર, ખાસ-ખબર’ એ માત્ર શબ્દો નથી પરંતુ તેની કાર્યપદ્ધતિનું જીવતુંજાગતું પ્રતિબિંબ છે
– ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)
- Advertisement -
12 ઓગષ્ટ 2020 – જન્માષ્ટમી પર ગુજરાતી ભાષાના સૌપ્રથમ ડિજિટલ ડેઈલી ન્યૂઝપેપર તરીકે શરૂ થયેલું ખાસ-ખબર આજે છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. શરૂઆતમાં વીકલી ઈ-પેપર સ્વરૂપે ડિજિટલ
પબ્લિશ થતું ખાસ-ખબર થોડા જ સમયમાં ડેઈલી પ્રિન્ટ ન્યૂઝપેપર બની ગયું, આજે તે ગુજરાતી ભાષાનું સૌથી વધુ વાંચકવર્ગ ધરાવતું ડિજિટલ – પ્રિન્ટ ન્યૂઝપેપર છે.
ખાસ-ખબર દૈનિક પત્રએ ખૂબ ઓછા સમયમાં સમાચાર જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ખાસ-ખબરની સૌથી મોટી ખાસિયત તેના એક્સક્લુઝિવ ન્યૂઝ અને આકર્ષક લે-આઉટ છે. આ ટેબ્લોઇડ સાઈઝ ન્યૂઝપેપર
દરરોજ સાંજે 4 વાગ્યા આસપાસ રાજકોટથી પ્રગટ થાય છે. આ સિવાય ખાસ-ખબરની જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, ઝાલાવાડ જેવી વિવિધ લોકલ એડિશન્સ પણ બહાર પાડે છે. ખાસ-ખબરમાં દર શનિવારે પબ્લિશ થતી
વિકેન્ડ સ્પેશિયલ એડિશન વાચકોમાં અત્યંત લોકપ્રિય છે.
ખાસ-ખબરની અન્ય એક વિશિષ્ટ વાત તેની સ્વતંત્ર વિચારસરણી છે. તે કોઈ નિશ્ચિત ફોર્મેટમાં બંધાયેલું નથી. પાનાંઓની સંખ્યા કે સમાચાર રજૂ કરવાની રીત માટે કોઈ પરંપરાગત મર્યાદા નથી. આ જ કારણ છે કે તે સતત
નવીનતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. તેની ટેગલાઈન ‘છોડે નહીં કોઈ કસર, ખાસ-ખબર’ એ માત્ર શબ્દો નથી પરંતુ તેની કાર્યપદ્ધતિનું જીવતુંજાગતું પ્રતિબિંબ છે. કોઈ કસર છોડ્યા વિના ખાસ-ખબર અનેક પ્રકારે ખાસ છે
અને પત્રકારત્વ શીખવા – સમજવા ઈચ્છતા યુવાઓ માટે તો આ અખબારનું કાર્યાલય જાણે એક પાઠશાળા છે.
પરંપરાગત પ્રેસનોટ કે અવસાન નોંધ જેવી બાબતોને બદલે આ અખબારમાં સ્થાનિક અને પ્રાદેશિક ખબરોને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. પ્રતિભાશાળી લેખકોના વૈવિધ્યપૂર્ણ લેખો, સામાન્ય નાગરિકોથી લઈને સેલિબ્રિટીઝ
સાથેની ખાસ મુલાકાતો અને વિશેષાંકો આ પેપરની ખાસ પહેચાન છે. પ્રિન્ટ મીડિયાના બીબાઢાળ માળખાથી તદ્દન વિરુદ્ધ આ અખબાર પાનાઓની ચોક્કસ સંખ્યા કે પત્રકારત્વના કડક નિયમોમાં બંધાયેલું નથી, જે તેને અન્ય
સાંધ્ય દૈનિકથી અલગ અને આકર્ષક બનાવે છે.
ખાસ-ખબરની સમગ્ર સફળ સફરના કેન્દ્રમાં સ્થાપક પરેશભાઈ ડોડીયાનો સર્જનાત્મક વિચાર અને તંત્રી કિન્નર આચાર્યનો પારિવારિક વ્યવહાર રહ્યો છે. ખાસ-ખબર માટે કોઈ ખાસ નથી, ખાસ-ખબર ખુદમાં ખાસ છે. સૌ સમાન
અને સૌને સન્માન એ આ અખબારની ઓળખ બની ગઈ છે. આજથી છ વર્ષ પૂર્વે સંપૂર્ણપણે મફતમાં દરેકના મોબાઈલ સુધી સમાચાર પહોંચાડવાનો વિચાર પોતે જ એક ક્રાંતિકારી પહેલ હતી. એ વિચારથી લઈ આજ સુધી
ગાંઠનું ગોપીચંદન ઘસતા ઘસતા જડતી, જપ્તી, જેલવાસની પરવા કર્યા વિના દિવસ – રાત મહિનાઓ – વર્ષો સુધી બેબાક – બેધડક સમાચાર છાપ્યા – બતાવ્યા જવા એ નાનીસૂની બાબત નથી. આ પણ એક નોંધનીય
સમાચાર છે. રાજકોટ જેવા શહેરમાં જ્યાં દરરોજ સવારે અડધો ડઝન – સાંજે એક ડઝનથી વધુ દૈનિક પ્રસિદ્ધ થતા હોય અને મોટામોટા મીડિયા હાઉસની આંતરિક હરિફાઈ વચ્ચે એક સ્વતંત્ર ડિજિટલ – પ્રિન્ટ ન્યૂઝપેપરને ટકાવી
રાખવું, વળી તેને લોકપ્રિયતાના શિખરે પહોંચાડવું એ ગુજરાતી પત્રકારત્વમાં બહુ મોટી સિદ્ધિ કહી શકાય. હેટ્સ ઓફ..
પત્રકારત્વનો મૂળ ધર્મ સ્વાર્થ – લોભ – ભય વિના સમાજને સત્ય સાથે પરિચિત કરાવવાનો છે. ખાસ-ખબર સમાચાર પત્ર લોકલથી ગ્લોબલ સ્તર સુધીના મુદ્દાઓ પર નિર્ભીકપણે પ્રકાશ પાડી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો
પ્રયાસ કરી રહ્યું છે. માહિતી (ઈન્ફોર્મેશન), શિક્ષણ (એજ્યુકેશન) અને મનોરંજન (એન્ટરટેનમેન્ટ) સાથે અનેક સામાજિક વિષયો પર હકારાત્મક પરિવર્તન લાવવાના તેના પ્રયત્નોએ તેને માત્ર અખબાર નહીં પરંતુ એક
વિશ્વસનીય બ્રાન્ડ બનાવ્યું છે. આજે આ અખબારે સૌથી વધુ ઈમ્પેક્ટ, સર્ક્યુલેશન અને રિડર્સના તમામ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સોશિયલ મીડિયા પર નાની શરૂઆત કરનારું આ ન્યૂઝપેપર આજે પ્રિન્ટ – ડિજિટલ મીડિયાનું
એક મજબૂત – માતબર મીડિયા હાઉસ બની ગયું છે.
છ વર્ષની સફરમાં ખાસ-ખબરે અનેક સિદ્ધિ-ઉપલબ્ધિ હાંસલ કરી છે. ક્યારેક શૂન્યમાંથી સર્જન કર્યું તો ક્યારેક ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થયું અને છ વર્ષની મંજીલ ખેડીને હજુયે અડીખમ ઉભું છે, આગળ વધી રહ્યું છે.
આ સફળ સફરના પ્રથમ દિવસથી આજ સુધી સાક્ષી – સહયાત્રી હોવાનો ગૌરવ અનુભવતા ખાસ-ખબર વધુને વધુ સફળતાના શિખર સર કરે અને સમાજસેવાના મંત્રને ચરિતાર્થ કરી પત્રકારત્વનો ધર્મ નિભાવતું રહે તેવી
હૃદયપૂર્વકની શુભેચ્છાઓ..




