એક્ટરના હાથમાં બંદૂક અને બ્લુ બ્રેસલેટ, સલમાનને બદનામ કરવાનું કાવતરું ઘડ્યાનો આક્ષેપ
સલમાન ખાનની અરજી બાદ દિલ્હી હાઈકોર્ટે જારી કરી નોટિસઃ ભલે એક્ટરનું નામ સીધા ઉપયોગમાં લેવાયું ન હોય, પરંતુ પોસ્ટર, પ્રમોશનલ કન્ટેન્ટ અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોના સાર્વજનિક નિવેદનોથી દર્શકો તેને (સલમાનને) સરળતાથી ઓળખી શકે છે
- Advertisement -
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બહુચર્ચિત કાળિયાર કેસ પરથી કથિત રીતે પ્રેરિત ‘કાલા હિરણ’ ફિલ્મ બનાવવામાં આવી છે. શુક્રવારે ફિલ્મનું ફર્સ્ટ લુક રિવીલ કરાયું છે. તેવામાં એક્ટરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. હવે હાઇકોર્ટે સલમાન ખાનની અરજી પર નોટિસ જારી કરી છે. અરજીમાં ‘કાલા હિરણ’ની રિલીઝ અને પ્રમોશન પર રોક લગાવવાની માંગ કરી હતી.હાઇકોર્ટે પ્રોડ્યુસર અમિત જાની, જાની ફાયરફોક્સ ફિલ્મ્સ, ડિરેક્ટર ભારત શ્રીનેત, અક્ષય પાંડે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અન્ય લોકોને નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો.કોર્ટને જણાવવામાં આવ્યું કે, ફિલ્મનું ટ્રેલર શુક્રવારે જારી કરી દેવામાં આવ્યું છે, જ્યારે અગાઉ સંકેત આપવામાં આવ્યો હતો કે તેને 20 જૂને રિલીઝ કરવામાં આવશે. આ પછી કોર્ટે કેસની આગામી સુનાવણી 19 જૂન માટે નક્કી કરી હતી.સલમાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ અને તેનાથી સંબંધિત પ્રમોશનલ કન્ટેન્ટ 1998ના કાળા હરણ શિકાર કેસથી પ્રેરિત અથવા તેના પર આધારિત હોવાનું જણાય છે. યાચિકા અનુસાર, ભલે એક્ટરનું નામ સીધા ઉપયોગમાં લેવાયું ન હોય, પરંતુ પોસ્ટર, પ્રમોશનલ કન્ટેન્ટ અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોના સાર્વજનિક નિવેદનોથી દર્શકો તેને (સલમાનને) સરળતાથી ઓળખી શકે છે.યાચિકામાં 29 મે 2026ના રોજ જાહેર કરાયેલા એક પોસ્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. દાવો કરવામાં આવ્યો કે, તેમાં દર્શાવેલું પાત્ર સલમાનને મળતું આવે છે અને તેણે એક્ટરના ઓળખ ચિહ્ન મનાતા વાદળી રંગના બ્રેસલેટ જેવું બ્રેસલેટ પહેર્યું છે. સલમાન ખાન સાથે સંકળાયેલો કાળિયાર શિકાર કેસ વર્ષ 1998માં સામે આવ્યો હતો, જ્યારે તે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈં’નું શૂટિંગ કરી રહ્યો હતો. સલમાન વિરુદ્ધ કુલ ચાર કેસ નોંધવામાં આવ્યા હતા. આમાં બે ચિંકારા શિકાર કેસ, એક કાંકાણી કાળિયાર શિકાર કેસ અને એક આર્મ્સ એક્ટનો કેસ સામેલ હતો. કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમુદાયની ફરિયાદ પર સલમાન સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં 12 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાનની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. એપ્રિલ 2006માં ચિંકારા શિકાર કેસોમાં સલમાનને સજા સંભળાવવામાં આવી હતી. જાન્યુઆરી 2017માં તેમને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે, 5 એપ્રિલ 2018ના રોજ કાળિયાર શિકાર કેસમાં તેને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડની સજા મળી હતી. આ જ કેસમાં બાકીના કલાકારોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.




