રસ્તા પર ઉભી રહેતી નોનવેજ-ઈંડાની લારીઓ વિશે મહેસૂલ મંત્રીનું મોટું નિવેદન
મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મહાપાલિકાના પગલાંની પ્રસંશા કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના શહેરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધનો મુદ્દો સળગ્યો છે. એક બાદ એક શહેરો જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર લારી ઊભી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ર્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે. કચ્છ (સીભિંવ)માં કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.
રસ્તા પર વેજ કે નોનવેજ જે પણ લારીઓ ઊભી રહેવાને તેમણે લેન્ડ ગ્રેબિંગ ગણાવ્યું છે. સાથે જ વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન પર પણ તેમણે કહ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કહેવાનો ભાવ એવો જ છે. આ લારીઓથી કોઈને નુકસાન ન થવું જોઈએ. રોડ પર કોઈ પણ પ્રકારની લારીઓ ન ઉભી રહેવી જોઈએ.
- Advertisement -
વડોદરામાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે
જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકાયાની જાહેરાત કર્યાના 24 કલાકની અંદર જ વડોદરા મહાનગરપાલિકાને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. મોટાપાયે કરાયેલી જાહેરાત બાદ બીજા જ દિવસે વડોદરામાં નોનવેજ અને આમલેટની લારીઓ હાલ પૂરતી બંધ નહિ થાય તેવી બીજી જાહેરાત કરાઈ છે. આમ, વડોદરામાં આજથી બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે.
વડોદરામાં નોનવેજ અને આમલેટની લારી બંધ કરાવવાનો મામલામાં પાલિકાએ પોતાનો નિર્ણય બદલ્યો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડોદરામાં હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય. પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી ખૂબ જરૂરી છે. 10 દિવસ પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ નિર્ણય લેવાશે.
રાજકોટમાં પણ જાહેરમાં ચીકન મટન વગેરેનું પ્રદર્શન કરવા નહી દેવાય, રસ્તાના દબાણ દૂર કરાશે : મેયર
ગુજરાતના બે શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં એક રાજકોટ પણ છે. આ શહેરમાં સૌથી પહેલા પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, શહેરમાં અનેક લોકો એવા છે જે નોનવેજ અને ઈંડાનું વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવામાં રાજકોટ પાલિકાએ આ માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. શહેરના મેયર પ્રદિપ ડવે જણાવ્યું કે, જાહેરમાં ચીકન મટન વગેરેનું પ્રદર્શન કરવા નહી દેવાય. આવા લારી ધારકોને કોઇ જગ્યાએ લોકોની અવરજવર ન હોય કે નડતરરૂપ ન હોય તો જગ્યા આપવા તંત્ર વિચારણા કરવાનું છે. પરંતુ હાલ તો જુદા જુદા વિસ્તારમાં આ ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપતા ડે.કમિશ્નર એ.આર.સિંહ અને તેમની ટીમ રાત્રિ બજારોમાં ઉતરી પડી છે.



