ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે હળવદના સુપ્રસિદ્ધ લીમડાવાળા દશામાના મંદિરે યોજાયેલા લોકમેળામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. દસ દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક ઉત્સવ અને લોકમેળામાં ભાવિક ભક્તોની ભીડ જોઈ વેપારીઓમાં પણ આનંદ છવાયો હતો. દશામાના વ્રતનો પ્રારંભ અષાઢ વદ ગુરુવારથી થયો હતો, જે શનિવારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો. વ્રતધારી બહેનોએ દસ દિવસ સુધી પૂજા-અર્ચના, ઉપવાસ અને એકટાણા કરીને આસ્થાપૂર્વક વ્રતનું પાલન કર્યું હતું. આ દસ દિવસો દરમિયાન ઘરે-ઘરે અને શેરીઓમાં દશામાની મૂર્તિ કે સાંઢણીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ખાસ પૂજન, સત્સંગ, આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્રતના અંતિમ દિવસે, બહેનોએ ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિનું તળાવમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી.
વર્ષોથી યોજાતા આ પરંપરાગત લોકમેળાનું આયોજન “જય દ્વારકાધીશ મિત્ર મંડળ” દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે સીસીટીવી કેમેરા, ફ્રી પાર્કિંગ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દસ દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદના પીઆઈ આર. ટી. વ્યાસ, પોલીસ સ્ટાફ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ દશામાનો મેળો હળવદ પંથકમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યો છે.
હળવદના લીમડાવાળા દશામાના લોકમેળામાં ભક્તોનું ઘોડાપૂર, વેપારીઓમાં આનંદ



