રાહુલ ગાંધીના મૌન પર ભાજપના સવાલો : પ્રિયંકા ગાંધીએ કહ્યું- રાહુલ ઝારખંડમાં વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે
સંસદ પરિસરમાં મંગળવારે એનડીએ (NDA) અને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના સાંસદો સામસામે આવી જતાં ભારે હંગામો અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. બંને પક્ષના સાંસદોએ એકબીજા સામે બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ નોંધાવી તીખા સૂત્રોચ્ચાર કર્યા હતા. એનડીએના સાંસદોએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષ પર સંસદમાં ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે સામે પક્ષે કોંગ્રેસના સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નારેબાજી કરી હતી. પ્રદર્શન દરમિયાન પ્રિયંકા ગાંધી અને ભાજપ સાંસદ મુકેશ દલાલ વચ્ચે પણ તીખી રજૂઆત જોવા મળી હતી. પ્રિયંકા ગાંધી ગાડીમાંથી ઉતર્યા ત્યારે ભાજપના સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ભાજપ સાંસદ મુકેશ દલાલે રાહુલ ગાંધી ઝારખંડમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને કેમ નથી મળતા તેવો સવાલ પૂછતાં, પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો હતો કે રાહુલ ગાંધી ઝારખંડ ગયા છે અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને મળી પણ ચૂક્યા છે.
- Advertisement -
એનડીએના સાંસદોએ સંસદમાં માર્ચ યોજી દિલ્હી તેમજ ઝારખંડમાં સોમવારે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે રાહુલ ગાંધીના મૌન સામે સવાલો ઉઠાવ્યા હતા. ભાજપ સાંસદ સંજય જયસ્વાલ, તરણ ચુધ અને સાક્ષી મહારાજે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ ગૃહ ચાલવા દેતો નથી અને વિદ્યાર્થીઓના મુદ્દે દિલ્હી તથા ઝારખંડ માટે બેવડા ધોરણો અપનાવી રહ્યા છે. ભાજપ સાંસદોએ આક્ષેપ કર્યો કે એનડીએ ચર્ચા માટે તૈયાર છે પરંતુ રાહુલ ગાંધી સંસદમાંથી ભાગી રહ્યા છે અને ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે ચૂપ છે, સંસદ પરિસરમાં બંને પક્ષો વચ્ચે થયેલા આ સામસામેના પ્રદર્શનથી રાજકીય ગરમાવો વધી ગયો છે.




