રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના દરોડા : 48 પેઢીમાં તપાસ, 2601 કિલો અખાદ્ય જથ્થો નાશ
18 એપ્રિલ 2017માં લીધેલા મરચામાં પ્રતિબંધિત કલર બદલ પેઢીના માલિકને 1 માસની કેદ અને રૂ.1.50 લાખનો દંડ
- Advertisement -
રાજકોટ શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, વાસી-અખાદ્ય ખોરાક અને અસ્વચ્છતાને ડામવા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સર્વેલન્સ ચેકિંગ કામગીરી દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ફૂડ વિભાગે કુલ 48 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. આ કાર્યવાહીમાં અંદાજે 2601 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 8 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઇજેનિક કન્ડિશન અંગે નોટિસ ફટકારવામાં આવી હતી અને કુલ રૂ.8,500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. ફૂડ વિભાગની તપાસ દરમિયાન શ્રીનાથજી ટ્રેડિંગ, વિજય પ્લોટ-18, ગોંડલ રોડ પાસેથી અગાઉ નમૂના લીધા બાદ સ્થગિત કરવામાં આવેલ લાલ મરચા પાવડર, હળદર પાવડર અને ધાણાજીરું પાવડરનો જથ્થો તપાસવામાં આવ્યો હતો. આ જથ્થો ભેળસેળયુક્ત તથા કલરયુક્ત હોવાનું વેપારી દ્વારા સ્વીકારવામાં આવતા અંદાજે 2570 કિલો જથ્થાનો SWM વિભાગના વાહનો મારફતે નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના વેચાણ સાથે સંકળાયેલી તીર્થ માર્કેટિંગ, બાલાજી માર્કેટિંગ, ઓમ ફૂડ પ્રોડક્ટ્સ, શિવ શક્તિ એજન્સી, દરિયાલાલ ટ્રેડિંગ, પટેલ એજન્સી અને હેરિટેજ માર્કેટિંગ સહિતની પેઢીઓની પણ તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગ દ્વારા રૈયા ચોકડી નજીકના વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સમાં કેફે 1188, ઓમ ફૂડ, દ્વારકેશ એન્ટરપ્રાઇઝ, પંડ્યાસ રસથાળ, ઇસ્કોન ફૂડ, ડોમિનોઝ પિઝા, વિશ્વ ફૂડ્સ, પિઝા હટ, ઓય અન્ના, સોનાલી પાઉભાજી, સંકલ્પ રેસ્ટોરન્ટ, કેટી ફૂડ્સ વેન્ચર અને બર્ગરનોમિક્સ સહિતની પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી. તે જ રીતે માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ સુધીના કોઠારીયા વિસ્તારમાં ચીલી હાઉસ, એ-1 વડાપાઉં, પટેલ ભેળ-દાબેલી, બાબાજી ઘૂઘરા, મોમાઈ સેન્ડવીચ, પર્વ રેસ્ટોરન્ટ, સીતારામ છોલે ભટુરે, વી.કે. ફૂડ પોઇન્ટ, માલધારી પાન અને જય બાલાજી ફૂડ ઝોન સહિતની પેઢીઓ પણ તપાસના કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઠારીયા વિસ્તારમાં રાધે વડાપાઉ, રવિ મદ્રાસ કાફે, ઠાકર દાળપકવાન, દિલ ખુશ પાણીપુરી, ઘનશ્યામ છોલે ભટુરે, બાલાજી છોલે ભટુરે, જય બજરંગ રેસ્ટોરન્ટ અને સૂર્યા ઢોસા સહિતની પેઢીઓને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ચેકિંગમાં ક્યાં શું મળ્યું?
સુટ્ટો જી ભર કે (જય ગણેશ એન્ટરપ્રાઇઝ), વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ : 8 પેકેટ એક્સપાયરી બ્રેડ અને 4 બર્ગર બેઝનો નાશ કરી રૂ.500 વહીવટી ચાર્જ વસૂલાયો.
એગ્રીટેબલ ઇનકો., શાસ્ત્રીનગર : હાઇજેનિક કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપી 8 કિલો એક્સપાયર્ડ સિરિયલ પ્રોડક્ટનો નાશ કરાયો અને રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલાયો.
જલારામ ચાઇનીઝ એન્ડ પંજાબી, કોઠારીયા : 2 કિલો વાસી અને અખાદ્ય બ્રેડનો જથ્થો નાશ કરી લાઇસન્સ અંગે નોટિસ અપાઈ.
રોલિટો વ્રેપ્સ એન્ડ મોર, વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ : 8 પેકેટ એક્સપાયરી લિક્વિડ ચીઝ, 15 કિલો જથ્થો, 3 પેકેટ બ્રેડ અને 2 પેકેટ બર્ગર બેઝનો નાશ કરી રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલાયો.
- Advertisement -
મરચાના પાવડરમાં પ્રતિબંધિત કલર મળતાં માલિકને કેદની સજા
ફૂડ વિભાગની કાર્યવાહી સાથે જોડાયેલા એક જૂના કેસમાં પણ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ. રાઠોડ દ્વારા તા. 18 એપ્રિલ 2017ના રોજ મસાલા માર્કેટ, 80 ફૂટ રોડ, સોરઠિયા વાડી સર્કલ પાસે આવેલી મનહરલાલ ડાયાલાલ સાતાની પેઢીમાંથી સાક્ષીપંચની હાજરીમાં લાલ મરચા પાવડર (લૂઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરાના પરીક્ષણમાં મરચાના પાવડરમાં કાયદાથી પ્રતિબંધિત નોન-પરમિટેડ પિન્ક અને ઓરેન્જ કલર તથા ઓઇલ સોલ્યુબલ ડાઇની હાજરી મળી આવી હતી. જેના પગલે નમૂનાને ‘અનસેફ ફૂડ’ તથા ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી બાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુનિસિપલ), રાજકોટ કમલેશકુમાર આર. ગાગનાણીએ પેઢીના માલિક મનહરલાલ ડાયાલાલ સાતાને 1 માસની સાદી કેદ અને રૂ.50,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સબસ્ટાન્ડર્ડ ખાદ્યચીજ અંગે રૂ.50,000 અને અન્ય ભંગ બદલ રૂ.50,000નો દંડ સહિત કુલ રૂ.1.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.




