આજથી વોર્ડ ઓફિસથી તિરંગા ધ્વજનું વિતરણ શરૂ
મનપા દ્વારા સતત ત્રીજા વર્ષે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
- Advertisement -
આગામી રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.13 ઓગષ્ટ ગુરૂવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યે બહુમાળી ભવન ચોકથી આ તિરંગા યાત્રા પ્રસ્થાન કરશે અને ગાંધીજીના સ્ટેચ્યુ, જયુબીલી ચોક સુધી પુરો રૂટ દેશભક્તિમય બનશે. આયોજનના ભાગરૂપે પદાધિકારીઓ તથા કમિશનરની ઉપસ્થિતિમાં શહેરની વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજના પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજાઇ હતી.
આ મીટિંગમાં મેયર ડો.નેહલ શુકલએ જણાવેલ કે, સમગ્ર રાજ્યમાં તિરંગાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. તિરંગો ભારતની શાન છે. ભારતનું ગૌરવ છે. દરેક ભારતીય નાગરિક તિરંગાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દેશદાઝ વધુ પ્રબળ બનાવે છે. તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવા માટે મનપા જુદીજુદી સ્વૈચ્છિક સામાજિક-સેવાકીય સંસ્થાઓ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓની સાથે મળીને આ આયોજનને આખરી ઓપ આપી રહી છે. આ ઉજવણીમાં શહેરના પ્રત્યેક નાગરિક સામેલ થઈ રાષ્ટ્ર પ્રેમની જ્યોત જલાવી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ભવ્ય બનાવશે. મિટિંગની શરૂઆતમાં કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી ચર્ચા કરી અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કોર્પોરેશન દ્વારા દર વર્ષે તિરંગા યાત્રા કાઢવામાં આવે છે. આ તિરંગા યાત્રામાં પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો, કર્મચારીઓ જોડાવાના છે. તિરંગા યાત્રાના રૂટનું શનિવારે સાંજે પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યુ હતું.
આજે મંગળવારથી તમામ વોર્ડ ઓફિસથી નાગરિકોને તિરંગા ઝંડા આપવાની શરૂઆત કરવામાં આવશે. લોકો તિરંગા સાથે યાત્રામાં જોડાઇ શકશે અને પોતાના ઘર, બિલ્ડીંગ ઉપર પણ તિરંગો ધ્વજ લહેરાવી શકશે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા ત્રીજા વર્ષે આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. ગુરૂવારે સવારે 9 કલાકે, બહુમાળી ભવન ચોક ખાતે તિરંગા યાત્રા યોજાશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજે મળેલી મીટીંગમાં ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટે. ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ, ડી. સી. પી. જગદીશ બાંગરવા, રેસી. એડી. કલેકટર બારોટ, ડે.કમિશનરો પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ. સમીર ધડુક તેમજ અન્ય અધિકારીઓ, શહેરની વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનોને મોટી સંખ્યામાં ઉમટવા મહાપાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે.
- Advertisement -
તિરંગા યાત્રાનો રૂટ
તિરંગા યાત્રાનો પ્રારંભ બહુમાળી ભવન ચોક, શારદાબાગ, ICICI બેન્ક, ચૌધરી હાઈસ્કૂલ, જયુબેલી ગાર્ડન, પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા યાત્રા પૂર્ણ થશે. “તિરંગા યાત્રા”ના સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે શહેરીજનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવામાં આવશે.
શહેરીજનો માટે પાર્કિંગ વ્યવસ્થા
“તિરંગા યાત્રા”માં સામેલ થનાર શહેરીજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (૧) શાસ્ત્રીમેદાન ગ્રાઉન્ડ, (૨) રેસકોર્ષ ગ્રાઉન્ડ, (૩) ફનવર્લ્ડની બાજુનું ગ્રાઉન્ડ, (૪) બહુમાળી ભવન પાર્કિંગ, (૫) ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, (૬) ઇન્ડોર સ્ટેડિયમ પાર્કિંગ, (૭) મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને રેસકોર્ષની અંદર ચબૂતરા ગ્રાઉન્ડ ખાતે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરીજનોને પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ પાર્ક કરી “તિરંગા યાત્રા”માં બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે.
લીંક ખોલો અને ફોટો અપલોડ કરો
ગુરૂવારે નીકળનારી તિરંગા યાત્રામાં કોઇ પણ નાગરિકો પોતાનો ફોટો અપલોડ કરીને ઉત્સાહ સાથે જોડાઇ શકે તે માટે મેયરે વેબસાઇટ પર ખાસ તિરંગા ફ્રેમ મુકાવી છે. નાગરિકો આ લીંક ઓપન કરે એટલે ‘હું આ તિરંગા યાત્રામાં જોડાવ છું, તમે પણ જોડાવ..’ એ ટેગલાઇન બાજુમાં પોતાનો ફોટો અપલોડ કરી શકશે અને સોશ્યલ મીડિયામાં શેર કરી શકશે. https://myframe.online/editor/tirangayatrarmc2026/




