પુરવઠા તંત્ર દ્વારા ગરીબોને વિતરિત નહીં થઈ શકતું અનાજ સડી જવાની દહેશત
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજ્યભરની સસ્તાં અનાજની દુકાનોમાં ગેરરીતિ ડામવા માટે પુરવઠા વિભાગે અનેકાનેક નુસ્ખાં તો અપનાવ્યા છે પરંતુ છેલ્લા પાંચ મહિનાથી સરકારી અનાજ બારોબાર પગ કરી જાય એ માટેની સરળતા જાણે પુરવઠા તંત્રએ પોતે જ કરી આપી છે. રાશનના અનેક વેપારીઓ પાસે રેગ્યુલર વિતરણ બાદ અનાજનો મોટો જથ્થો પડયો રહેતો હોવા છતાં ધરાર પૂરેપૂરી જ ફાળવણી કરવામાં આવી રહી છે. પરિણામે બને છે એવું કે દુકાનોમાં મોંઘેરાં ઘઉં- ચોખા, ખાંડ, મીઠું અને તુવેરદાળનો સ્ટોક અવિરત ખડકાતો જ રહે છે, જે પડયો-પડયો સડી જવાની ભીતિ છે અને કેટલાંય વિક્રેતાઓ તેના કાળાબજારની તક પણ ચૂકતાં નથી.
એક તરફ હાલ સાર્વત્રિક મોંઘવારીના માહોલ વચ્ચે ખાદ્યાન્નનો ભાવવધારો પણ આમ આદમીને સતાવી રહ્યો છે એવામાં આ રીતે ટનબંધ અનાજ નાહક લૂંટાવતા રહેવાની શંકાસ્પદ અણઆવડત અક્ષમ્ય બની રહે તેમ છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પુન: લંબાવવામાં આવી છે ત્યારે તે અંતર્ગત મફતમાં જ એટલું અનાજ મળી જાય છે કે સંખ્યાબંધ રાશન વિક્રેતાઓ અને કેટલાંય લાભાર્થી પરિવારો પોતે પણ વધારે થઈ પડતા જથ્થાનું બારોબાર વેચાણ કરી દેતા હોય છે. આ સંજોગોમાં એ ઉપરાંતના રેગ્યુલર (રાજ્ય સરકાર દ્વારા રાહતદરે અપાતા) અનાજનો ખાસ ઉપાડ થતો નથી, જે વિતરણ સરકારી ચોપડે દર્શાવાય છે તેમાંથી ઘણુંખરૂં તો ઓનેઓન ઉધારી દેવામાં આવેલું હોવાની ચર્ચા વ્યાપેલી છે.આ સંજોગોમાં રેગ્યુલર વિતરણ માટે જે-જે વેપારી પાસે માસાંતે જેટલો- જેટલો જથ્થો પડયો રહ્યો હોય તે બાદ કરીને તેમને નવા મહિના માટે એટલો ઓછો સ્ટોક જ ઉપાડવા દેવો જોઈએ પરંતુ તેના બદલે, ગત ડિસેમ્બર મહિનાથી વેપારીઓને પરાણે તેમની કાર્ડસંખ્યા મુજબનો પૂરેપૂરો સ્ટોક જ સરકારી ગોદામેથી લિફ્ટ કરવાની આશ્ચર્યજનક ફરજ પાડવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરની સંખ્યાબંધ રાશનશોપ્સમાં ઓવર સ્ટોક છે, જે સડી જાય તો જવાબદારી સરકારી તંત્રની રહેશે તેમ વિક્રેતાઓના સંગઠનોએ લેખિતમાં આપીને વિભાગને ચેતવી દીધો હોવા છતાં પાંચ મહિનાથી તંત્ર દરકાર કરતું નથી. માર્ચ માસથી કપાત કરી આપવાની ખાતરી બાદ હજુ આ મહિને પણ પૂરો જથ્થો ઉપાડવાનાં જ ચલણ જમા કરાવડાવીને તે મુજબ જ સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે.
- Advertisement -
દુકાનોમાં તો 40 મહિના આપી શકાય એટલી ખાંડ પડતર!
રાશન વિક્રેતાઓમાંથી જાણવા મળ્યા મુજબ અંત્યોદય યોજના હેઠળ 15 રૂપિયે કિલોના રાહતદરે આપવાની ખાંડનો સ્ટોક ક્યાંક- ક્યાંક તો એટલાં મોટા પાયે પડતર છે કે નવો સ્ટોક ન આપવામાં આવે તો પણ તેમના લાભાર્થીઓને 40 મહિના સુધી તેમાંથી આપતાં રહી શકાય. એ જ ખાંડ બીપીએલ કાર્ડધારકોને 22 રૂપિયાના ભાવે આપવાની હોય છે અને તેનો પણ ઘણી દુકાનોમાં સો ટકાથી વધુ જથ્થો પડયો છે.


