7 પરિવાર પૈકી 3 પરિવાર દિવસે આવે છે અને રાત્રે પરિચિત-સંબંધીને ઘેર જતા રહે છે
રામનવમીના દિવસે હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વોએ પલીતો ચાંપ્યા બાદ બહારથી દોરી સંચારની તમામ સંભાવનાઓનો પોલીસ દ્વારા હાલના તબક્કે ઇન્કાર કરાઈ રહ્યો છે. પરંતુ લઘુમતી વિસ્તાર અને રામજી મંદિર વચ્ચેના ભાગમાં રહેતા વધુ બે હિન્દુ ભાડુઆત પરિવારોએ પલાયન કર્યું છે. જ્યારે પોલીસે આ હુમલા પ્રકરણમાં વધુ 5 આરોપીની અટકાયત કરી છે.
કોમી હુતાશણથી વિસ્તારમાં ભય અને ડરનો માહોલ
છાપરીયામાં કડીયાવાસમાં રામજી મંદિર છે તેની બાજુમાં પ્રજાપતિ વાસ છે અને ત્યારબાદ કસ્બા-લઘુમતી વિસ્તાર ચાલુ થાય છે. રવિવારે કોમી હુતાશણ થયા બાદ 7 પરિવારો સ્થળાંતર કરી ગયા હતા તે પૈકી ત્રણ પરિવારો દિવસે આવે છે અને રાત્રે પરિચિત-સંબંધીને ઘેર જતા રહે છે. આ વિસ્તારમાં ભય અને ડરનો માહોલ છે શાકભાજી સહિતના છૂટક વેચાણ માટે ફરતા લારી-ફેરિયાઓને પણ ધમકાવાઇ રહ્યા છે.


