કેમિકલ ટ્રીટમેન્ટ દ્વારા ઉંદરોને તેમના દરમાં જ દફનાવી દેવાનો પ્લાન
ખાસ-ખબરમાં પ્રસિધ્ધ થયેલાં અહેવાલની નોંધ લઇ રેસકોર્ષમાંથી ઉંદરડાઓને ભગાવવા તંત્ર સજ્જ થયું
- Advertisement -
રાજકોટ શહેરની શાન ગણાતા અને હજારો શહેરીજનો માટે સવાર-સાંજ બેસવા-રમવા-ફરવા-માણવાના પ્રિય સ્થળ એવા રેસકોર્સમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. ખાસ કરીને આર્ટ ગેલેરી પાસેના રેસકોર્સ ગાર્ડન સહિત આસપાસના બાગ-બગીચામાં અસંખ્ય ઉંદરોના દર જોવા મળતા સહેલાણીઓમાં ભય અને રોષની લાગણી વ્યાપી હતી. ખાસ-ખબર દ્વારા આ મુદ્દે કરવામાં આવેલા સચોટ અહેવાલો બાદ આખરે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે અને ઉંદરોના ત્રાસને કાયમી રીતે દૂર કરવા માટે કેમિકલ ટ્રીટમેન્ટ દ્વારા ઉંદરોને તેમના દરમાં જ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.
રેસકોર્સના ગાર્ડનોમાં છેલ્લા કેટલાક મહિનાથી ઉંદરોની સંખ્યા અસામાન્ય રીતે વધી ગઈ હતી. અનેક સ્થળોએ જમીન ખોદીને બનાવાયેલા દરના ખાડાઓ જોવા મળતા હતા. બગીચાઓમાં ફરવા આવતા લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો બિલાડી જેવડા ઉંદરોને જોઈ ગભરાઈ જતા હતા. પરિણામે ઘણા પરિવારો રેસકોર્સની મુલાકાત લેવાનું ટાળવા લાગ્યા હતા. સ્થાનિકો અને બગીચામાં નિયમિત આવનારાઓના જણાવ્યા મુજબ ઉંદરોની વધતી વસ્તી પાછળનું મુખ્ય કારણ લોકો દ્વારા કરવામાં આવતું બિનજવાબદાર ખોરાક વિતરણ છે. અનેક લોકો ઉંદરોને ખાદ્ય પદાર્થો, લોટ, શાકભાજી તથા અન્ય ખોરાક નાખે છે. કેટલાક લોકો તો નિયમિત કીડિયારું પણ પૂરે છે.
ખોરાકની સરળ ઉપલબ્ધતાના કારણે ઉંદરો ઝડપથી પ્રજનન કરતા ગયા અને તેમના દરની સંખ્યા સતત વધતી ગઈ. ખાસ કરીને બાલભવન નજીકના બાગ-બગીચાઓમાં ઉંદરોના અસંખ્ય દર જોવા મળતા હતા. કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા આ હરિયાળા ગાર્ડનોમાં ઉંદરોના વધતા આતંકને કારણે સમગ્ર વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા હતા. નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવતી હોવા છતાં લાંબા સમય સુધી અસરકારક કાર્યવાહી ન થતાં અસંતોષ વધતો ગયો હતો. આખરે સૌપ્રથમ ખાસ-ખબર દ્વારા આ મુદ્દો ઉજાગર કર્યા બાદ તંત્રએ સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કરીને ઉંદર નિયંત્રણ માટે વિશેષ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ વિવિધ ગાર્ડનોમાં આવેલા ઉંદરોના દરમાં ખાસ કેમિકલનો ઉપયોગ કરીને ઉંદરોને નાબૂદ કરવામાં આવશે. સાથેસાથે ગાર્ડન વિસ્તારમાં નિયમિત સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને ખાદ્ય સ્ત્રોતો પર નિયંત્રણ માટે પણ કાર્યવાહી હાથ ધરાશે. તંત્રએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ ઉંદરોને કોઈપણ પ્રકારનો ખોરાક ન આપે અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકે.
શહેરના સૌથી લોકપ્રિય ઉદ્યાન તરીકે ઓળખાતા રેસકોર્સને ફરીથી સ્વચ્છ, સુરક્ષિત અને ઉંદરમુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આવકારદાયક ગણાઈ રહ્યો છે. જોકે માત્ર કેમિકલ ટ્રીટમેન્ટ પૂરતી નથી, નાગરિકોની જવાબદારી અને સતત દેખરેખ પણ એટલી જ જરૂરી છે. જો લોકો ખોરાક નાખવાની આદત નહીં છોડે તો ઉંદરોની સમસ્યા ફરી માથું ઊંચકી શકે છે. તેથી રેસકોર્સને ઉંદરરાજમાંથી મુક્ત કરાવવા માટે તંત્ર અને નાગરિકો બંનેએ સંયુક્ત પ્રયાસ કરવો અનિવાર્ય બન્યો છે.




