ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કોરોના મહામારીથી સુરક્ષિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ગત જાન્યુઆરી-2021થી શરૂ થયેલા વેક્સિનેશન અભિયાનમાં વેક્સિનના પ્રથમ ડોઝનો 100 ટકાનો લક્ષ્યાંક આજે તા.26-10-2021નાં રોજ સિદ્ધ થયેલ છે. આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે એમ કહ્યું હતું કે, માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશમાં તમામ લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવાનું જે મહાઅભિયાન લોન્ચ કર્યું હતું તેમાં રાજકોટ શહેરે પણ પોતાનું 100 ટકા યોગદાન આપ્યું છે તે ખુબ જ આનંદ અને ગૌરવની વાત છે. આજે રાજકોટ શહેરમાં 11,42,093 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક 100 ટકા સિદ્ધ થયો છે. મહાનગરપાલિકાએ ગત માસમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વેક્સિનેશન મહાભિયાનમાં 24 કલાક સુધી કામગીરી કરી 45000 થી વધુ લોકોને વેક્સિનેશન આપવામાં આવી હતી. હાલ બીજા ડોઝની 86 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને જેમને 84 દિવસ પુરા થતા જાય છે તેમ તેમ તેઓને પણ 100 ટકા વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે.
આ તકે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ પદાધિકારીશ્રીઓનાં માર્ગદર્શન અને સાથસહકાર સાથે વેક્સિનનાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરીનો સીમાચિહ્ન આજે પ્રાપ્ત કરેલ છે એ બદલ પદાધિકારીશ્રીઓ અને આરોગ્ય સ્ટાફગણનાં તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સહાયક કર્મચારીઓ અને અધિકારીઓ અભિનંદનનાં હક્કદાર બન્યા છે. રાજકોટમાં આજે પ્રથમ ડોઝની 100 કામગીરી પૂર્ણ કરાયેલ છે જોકે આ ટકાવારીમાં વધારો થશે કેમ કે, બહારગામથી રાજકોટ આવતાજતા લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટમાં વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓનાં સહયોગથી 80 થી વધારે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવેલ હતાં. હાલ બીજો આપવાની કામગીરી પણ ચાલી રહી છે અને તેમાં જે લોકોના 84 દિવસ પૂર્ણ થતા જાય તેમ તેમ તેઓને વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યારે બીજા ડોઝની 86 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
- Advertisement -



