ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલતા વહીવટી તંત્રને કારણે જનતાના કામોમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ
કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાની વહીવટી વ્યવસ્થામાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત કક્ષાના અધિકારીઓની મોટી સંખ્યામાં ખાલી પડેલી જગ્યાઓને કારણે વહીવટી તંત્ર પર કામનું ભારણ વધી રહ્યું હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા આ જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રનું હાર્દ અને પાટનગર ગણાય છે, તેમ છતાં છેલ્લા ઘણા સમયથી જિલ્લાનું વહીવટી તંત્ર ઇન્ચાર્જ અધિકારીઓના આધારે ચાલી રહ્યું છે. રાજકોટ શહેરમાં પ્રાંત અધિકારીની પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણેય જગ્યાઓ હાલમાં ખાલી હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટેની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના ડેપ્યુટી કલેકટરની જગ્યા તેમજ ગોંડલના ડેપ્યુટી કલેકટરની જગ્યા પણ લાંબા સમયથી ખાલી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. મહત્વની જગ્યાઓ ખાલી રહેવાના કારણે વહીવટી તંત્રમાં શિથિલતા આવી રહી હોવાનું અને અધિકારીઓ પર વધતા ભારણને કારણે જનહિતના અનેક કામોમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં જણાવાયું હતું કે ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવા તેમજ વિવિધ કેસોના ઝડપી નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાથી સામાન્ય નાગરિકોના કામો ટળતા રહે છે. પરિણામે મહત્વના કેસો, ચુકાદાઓ અને વહીવટી પ્રક્રિયાઓ ખોરંભે પડી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું.
- Advertisement -
કોંગ્રેસે રાજ્ય સરકાર પર રાજકોટ પ્રત્યે અન્યાયપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ખાલી પડેલી તમામ ઉચ્ચ વહીવટી જગ્યાઓ પર કાયમી નિમણૂક કરવામાં આવે અને વહીવટી પ્રક્રિયાને વધુ અસરકારક અને સરળ બનાવવામાં આવે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, જસવંતસિંહ ભટ્ટી અને ગૌરવ પૂજારા ઉપસ્થિત રહ્યા હતા.




