સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ સામે તેમજ જાહેરમાં ગંદકી કરતા તત્વો સામે તંત્ર દ્વારા વ્યાપક દંડનીય કાર્યવાહી
- Advertisement -
રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા આસામીઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા તાજેતરમાં શહેરના ત્રણેય ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે ગત તા. ૨૯ જૂન થી ૩ જુલાઈ દરમિયાન શહેરના ત્રણેય ઝોન વિસ્તારના અલગ-અલગ મુખ્ય માર્ગો પર તંત્ર દ્વારા ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. પાંચ દિવસની આ કામગીરી દરમિયાન જાહેર આરોગ્ય અને પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ બદલ તેમજ જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ કુલ ૧૪૮ આસામીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ આસામીઓ પાસેથી કુલ રૂપિયા ૭૯,૬૬૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અને સ્થળ પરથી આશરે ૧૨.૩ કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઝુંબેશ મનપાના પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરોના સુપરવિઝનમાં આસિસ્ટન્ટ પર્યાવરણ ઈજનેર તથા સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરોની ટીમો દ્વારા અલગ-અલગ વોર્ડમાં પાર પાડવામાં આવી હતી.
મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરના તમામ નાગરિકો અને વેપારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરે અને ખરીદી સમયે માત્ર કાપડની થેલીઓનો (Cloth Bags) જ આગ્રહ રાખે. આ સાથે જ મનપા તંત્રે ચીમકી ઉચ્ચારી છે કે, આગામી દિવસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગંદકી કરનારાઓ સામે આ પ્રકારની કડક જપ્તી અને દંડનીય કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.




