મહારાષ્ટ્રમાં સ્ટેશનની બહાર પાણી ભરાયુ, પાલઘરમાં સ્કૂલ-કોલેજ બંધ
ચોમાસું દેશના લગભગ તમામ રાજ્યોમાં પહોંચી ગયું છે. ગુજરાત-મહારાષ્ટ્રના કેટલાક ભાગો બાકી છે. જોકે તે પહેલા આ બંને રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના મેંદરડા વિસ્તારમાં સમઢિયાળા ગામ પાસે પૂરના પાણીમાં ચાર વાહનો ફસાઈ ગયા હતા. જેમાંથી ૧૯ લોકોને બચાવવામાં આવ્યા હતા.
- Advertisement -
બીજી તરફ, મહારાષ્ટ્રના નાલાસોપારામાં રેલવે સ્ટેશનની બહાર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. મુસાફરોને પાણીમાં ચાલીને સ્ટેશન પહોંચવું પડી રહ્યું છે. પાલઘરમાં વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ બાદ સવાઈ માનસિંહ હોસ્પિટલના માઈનોર ઓટીમાં પાણી ભરાઈ ગયું હતું. અહીંથી દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના ભોપાલ-ઈન્દોર સહિત ૨૬થી વધુ જિલ્લાઓમાં શુક્રવારે ભારે વરસાદ થયો હતો. ઉજ્જૈનમાં પુલિયા પાર કરવાનો પ્રયાસ કરતા એક યુવક મોટરસાયકલ સહિત તણાઈ ગયો હતો. યુપીના ૨૦ જિલ્લામાં વરસાદ થયો. મથુરામાં ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં ગરદન સુધી પાણી ભરાઈ ગયું. કાનપુરમાં GSVM મેડિકલ કોલેજમાં પાણી ભરાઈ ગયું. કાર-બાઈક અડધી ડૂબી ગઈ. ઝાંસીમાં વીજળી પડવાથી ખેડૂતનું મોત થયું છે.
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં વરસાદને કારણે શાક માર્કેટમાં પાણી ભરાઈ ગયાં છે. હવામાન વિભાગે શહેર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે અને આજે ભારે વરસાદની ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના વસઈ-વિરારમાં ભારે વરસાદને કારણે તુલિંજ અને એલાયન્સ હોસ્પિટલ રોડ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક રહેણાંક સોસાયટીઓ અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. શનિવારે સવારે મુંબઈમાં ધોધમાર વરસાદ પડયો હતો. IMD-હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, નાશિક અને પુણેના ઘાટ વિસ્તારો માટે ‘ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં રામનગર-ઉધમપુર રોડ પર કૌઘા નજીક સતત વરસાદને પગલે ભૂસ્ખલનની મોટી ઘટના બની હતી. રસ્તા પર મોટા પથ્થરો અને કાટમાળ આવી પડતાં આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.




