આર્મીમાં આકાશ તરંગ, કામિકાઝે ડ્રોન સહિત અનેક હાઇટેક હથિયારો સામેલ થશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં શુક્રવારે રક્ષા અધિગ્રહણ પરિષદ (DAC) ની બેઠક યોજાઈ. તેમાં ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતા વધારવા માટે લગભગ ૫૨,૦૦૦ કરોડ રૂપિયાના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવોમાં આર્મી, નેવી અને એરફોર્સ માટે ઘણા અત્યાધુનિક હથિયારો અને ડિફેન્સ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. સેના માટે આકાશ તરંગ એન્ટી-ડ્રોન ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM), મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM), વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (V-SHORADS), ટેન્કો માટે એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ અને જેટ આધારિત કામિકાજે ડ્રોન સિસ્ટમની ખરીદીને મંજૂરી મળી છે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, આકાશ તરંગ સેનાના ઘણા ફોર્મેશનને ડ્રોન હુમલાઓથી અસરકારક સુરક્ષા આપશે. MPATGM દુશ્મનના બખ્તરબંધ વાહનો સામે લડવામાં પાયદળની ક્ષમતા વધારશે. MRSAM મધ્યમ અંતરથી આવતા હવાઈ જોખમોથી સુરક્ષા પ્રદાન કરશે, જ્યારે V- SHORADS મલ્ટી-સ્પેક્ટ્રલ સેન્સર દ્વારા ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણને વધુ મજબૂત બનાવશે. MPATGM હથિયાર પ્રણાલીનું વજન ૧૪.૫૦ કિ.ગ્રા. છે અને લંબાઈ ૪.૩ ફૂટ છે. તેને છોડવા માટે ૨ લોકોની જરૂર પડે છે. તેની રેન્જ ૨૦૦ મીટરથી લઈને ૨.૫૦ કિલોમીટર છે. તેમાં ટેન્ડમ ચાર્જ હીટ અને પેનિટ્રેશન વોરહેડ લગાવી શકાય છે.
ભારતીય નૌકાદળ માટે મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM), નેવલ શિપબોર્ન અનમેન્ડ એરિયલ સિસ્ટમ (NSUAS) અને ઇલેક્ટ્રિક પ્રોપલ્લાન સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, MIGM દુશ્મનની દરિયાઈ ગતિવિધિઓ પર રોક લગાવવામાં મદદ કરશે, જ્યારે NSUAS અદ્યતન સેન્સર દ્વારા નૌકાદળની દેખરેખ ક્ષમતા વધારશે. નૌકાદળ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ગયા વર્ષે (૫મે, ૨૦૨૫) દેશમાં જ બનેલી મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઈન (MIGM)નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણમાં ઓછી વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી સુરક્ષા ધોરણોનું દયાન રાખી શકાય. આ માઈન સમુદ્રની નીચે દુશ્મનના જહાજોને નિશાન બનાવવામાં સક્ષમ છે. તેને ભારતમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ નૌકાદળની તાકાત વધારવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે કરવામાં આવશે.
- Advertisement -
ભારતમાં તૈયાર થઈ રહ્યા છે સ્વદેશી કામિકાઝે ડ્રોન
ભારત સ્વદેશી કામિકાઝે ડ્રોન બનાવી રહ્યું છે. આ ડ્રોન ૧,૦૦૦ કિલોમીટર સુધી ઉડાન ભરી શકશે. તેમાં ઘરેલું એન્જિન લગાવવામાં આવી રહ્યું છે. આ માનવરહિત ડ્રોન ટાર્ગેટ પર જઈને નષ્ટ થઈ જાય છે. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) આ ડ્રોન બનાવી રહી છે. આ પ્રકારના ડ્રોન રશિયા-યુક્રેન અને ગાઝામાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. યુક્રેને તેનો ઉપયોગ રશિયાની પાયદળ સેના અને બખ્તરબંધ વાહનોને નિશાન બનાવવા માટે મોટા પાયે કર્યો છે.




